ગુજરાત રાજ્યમાં ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસિસની અનિયમિતતાઓ પર નિયંત્રણ લાવવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટના 25/07/2025 ના ચુકાદાના પગલે શિક્ષણ વિભાગે તાત્કાલિક ધોરણે Act અને Rules નો મુસદ્દો (ખરડો) તૈયાર કરવા માટે 8 સભ્યોની એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિના અધ્યક્ષ સ્થાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ રહેશે. આ નવા નિયમોના અમલ પછી રાજ્યમાં તમામ ખાનગી કોચિંગ/ટ્યુશન ક્લાસિસ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનશે, જેનાથી તેમની મનમાની અને ખાનગી શાળાઓ સાથેની મિલીભગત પર નિયંત્રણ આવશે. આ કમિટી સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલી બે માસની સમયમર્યાદામાં પોતાનો અહેવાલ રજૂ કરશે.

ગુજરાતમાં ખાનગી કોચિંગ ક્લાસ એક્ટ માટે સમિતિની રચના

ગુજરાત સરકારે રાજ્યમાં પ્રાઇવેટ કોચિંગ સેન્ટર અને ટ્યુશન ક્લાસિસ માટે કાયદો (Act) અને તેના નિયમો (Rules) ઘડવાની દિશામાં પ્રથમ પગલું ભર્યું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા 22/09/2025 ના રોજ આ અંગેનો સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.

આ નિર્ણય સીધો જ નામદાર સુપ્રીમ કોર્ટના 25/07/2025 ના ચુકાદાને પગલે લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પ્રાઇવેટ કોચિંગ સેન્ટર અને ટ્યુશન ક્લાસ માટેના નિયમો ચુકાદો પ્રસિદ્ધ થયાના બે માસમાં તૈયાર કરવા. આ હુકમનું પાલન કરવા માટે સરકારે સૌપ્રથમ Act અને Rules નો મુસદ્દો ઘડવા માટે આ સમિતિની રચના કરી છે.

8 સભ્યોની કમિટી: અધ્યક્ષ અને કાર્ય સંબંધી શરતો

ખાનગી કોચિંગ ક્લાસ પર નિયંત્રણ માટે કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે કુલ 8 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં શિક્ષણ ક્ષેત્રના મહત્ત્વના અધિકારીઓનો સમાવેશ થાય છે:

  • અધ્યક્ષ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ.
  • સભ્ય સચિવ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ.
  • અન્ય સભ્યો: કમિશ્નર શાળાઓની કચેરીના નિયામક, પ્રાથમિક શિક્ષણના નિયામક, GCERT ના નિયામક અને શિક્ષણ વિભાગના ઉચ્ચ શિક્ષણ, ટેક્નિકલ શિક્ષણ તેમજ માધ્યમિક શિક્ષણના નાયબ સચિવઓ.

કમિટીની મુખ્ય શરતો

  1. સમિતિએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને સમયમર્યાદામાં (બે માસમાં) પોતાનો અહેવાલ (Act અને Rules નો મુસદ્દો) રજૂ કરવાનો રહેશે.
  2. સમિતિ જરૂર જણાયે નિષ્ણાંત વ્યક્તિઓ, અન્ય ખાતાના વડાઓ કે સરકારી અધિકારીઓને આમંત્રિત સભ્ય તરીકે બોલાવીને તેમનો અભિપ્રાય પણ મેળવી શકશે.

મનમાની પર લગામ અને રજિસ્ટ્રેશન ફરજિયાત

નવા કાયદાનો મુસદ્દો તૈયાર થતાં જ, રાજ્ય સરકાર આગામી સમયમાં વિધાનસભામાં આ વિધેયક લાવી શકે છે. આના અમલ પછી:

  • રજિસ્ટ્રેશન: રાજ્યના તમામ ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસિસ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનશે.
  • નિયંત્રણ: આનાથી ખાનગી કોચિંગ ક્લાસિસની મનમાની પર અંકુશ આવશે, જેમાં તેમની ફી નિર્ધારણ, અભ્યાસક્રમ અને સમયપત્રકની બાબતોનો સમાવેશ થાય છે.
  • મિલીભગતનો અંત: ભૂતકાળમાં ખાનગી શાળાઓ અને કોચિંગ ક્લાસ વચ્ચેની મિલીભગત અંગે અનેક ખુલાસા થયા હતા. નવા કાયદાથી આ પ્રકારની ગેરરીતિઓ પર પણ નિયંત્રણ આવી શકશે.