Kutch Rain: કચ્છ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી છે.  પરંતુ અમુક સ્થળે અવિરત ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને નુક્સાન થયું છે. રતનાલ ગામના ખેડૂતોના તૈયાર મગફળીના પાક પર પાણી ફરી વળ્યા છે. સાથે જ કપાસના પાકને પણ નુક્સાન થયું છે. રાપર તાલુકામાં ખેતરમાં ઘુંટણ સમા પાણી ભરાઈ જતાં કપાસના પાકને નુકસાનની શક્યતા છે. રવેચી ગામે ભારે વરસાદથી ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે ખેડૂતો ચિંતામા છે.


નર્મદા ડેમમાંથી પાણી છોડાવાના કારણે ભરુચના નદી કાંઠાના ખેડૂતો બરબાદ થયા છે. ભરૂચ તાલુકાના નિકોરા ગામમાં ફૂલોની ખેતી કરતા ખેડૂતોને મોટા આર્થિક નુકસાનની શક્યતા છે. નર્મદા નદીમાં આવેલા ભારે પરથી ફૂલોની ખેતી નિષ્ફળ થઈ છે. ગામના મોટા ભાગના ખેડૂતો ગલગોટા, ગુલાબ, પારસ, વીજળી અને ગલાળીયુ જેવા ફૂલની ખેતી કરે છે અને ફૂલની ખેતીમાં પ્રતિ વીઘા રૂપિયા 50 હજારથી વધુનો ખર્ચ ખેડૂતોએ કર્યો છે. જો કે નર્મદા નદીના પાણી ફરી વળતા ફૂલોની ખેતી નિષ્ફળ થઈ છે. એટલું જ નહીં ગણેશોત્સવ, નવરાત્રી, દિવાળી જેવા તહેવારોના સમયે જ ફૂલની ખેતી નષ્ટ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને ફૂલથી કિલોએ રૂપિયા 100થી 200ની આવક થતી હોય છે. પરંતુ ખેતી નિષ્ફળ જતા હવે મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે.


ગુજરાતમાં રવિવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, પંચમહાલ, આણંદ અને ગાંધીનગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 11,900 લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે 270 લોકો ફસાયા છે. નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ભરૂચ શહેર અને તાલુકાના અનેક વિસ્તારો અને અંકલેશ્વરના અનેક વિસ્તારો અને ગામડાઓ હજુ પણ ઘૂંટણિયે પાણીમાં ગરકાવ છે. રાહત અને બચાવ માટે સેના તૈનાત કરવામાં આવી છે. IMD એ આજે ​​પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.


ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં કૃષિ પાકને નુકસાન થયું છે. વરસાદને પગલે અલગ અલગ તાલુકાના ખેતરો જળબંબાકાર થયા હતા. જેમાં કાંકરેજના આસેડા ગામના ખેતરો જળમગ્ન થયા છે. ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને નુકસાનની ભીતી છે. વરસાદને પગલે ફ્લાવર, રીંગણ, ભીંડા સહિતના શાકભાજીના પાકને નુકસાનની ભીતી છે. એટલું જ નહીં એરંડા, મગફળી, કપાસ સહિતના પાકને પણ નુકસાન જવાની શક્યતા છે. છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલ અવિરત વરસાદને પગલે બાજરી, જુવારના પાકને પણ નુકસાન જવાની શક્યતા છે.