ગાંધીનગરઃ સિદ્ધપુરના કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. ચંદનજી ઠાકોરના વિવાદાસ્પદ વીડિયો મામલે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ચંદનજીએ જ્ઞાતિ - ધર્મ આધારીત મત માગ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રીપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટનો ભંગ કર્યાની ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ જણાવ્યું છે. 






વાયરલ વીડિયો મામલે ચંદનજી ઠાકોરે શું આપી હતી પ્રતિક્રિયા?


સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વાયરલ થયેલા વીડિયો મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું, સીએમ ઓફિસથી આ પ્રકારનો વીડિયો વાયરલ થાય એ દુઃખદ બાબત છે. આ વીડિયો એડિટ કરવામાં આવેલ છે અને તદ્દન ખોટો છે, શબ્દો એડિટ કર્યા  છે. જો મુખ્યમંત્રી કાર્યાલયથી આ વીડિયો વાયરલ કરવામાં આવે તો ભાજપ કેટલી હદ સુધી જઈ શકે છે. ભાજપ હંમેશા ભાઈ ભાઈ અને કોમ-કોમ વચ્ચે ઝઘડા કરાવે છે, ભાજપ હિન્દુ અને મુસ્લિમ કરીને આ ચૂંટણી જીતવા માંગે છે. ખોટી રીતે બદનામ કરવામાં આવ્યો છે, અહીંના ઉમેદવારે ફોર્મ રદ્દ કરવા માટેના પ્રયાસ કર્યા હતા.


ઉલ્લેખનીય છે કે ચંદનજી ઠાકોરના આ નિવેદનને વખોડતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પલટવાર કર્યો હતો. સીએમએ નિવેદનને અતિ શરમજનક ગણાવ્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યુ હતું કે  હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી લઘુમતી તુષ્ટિકરણ તરફ વળી છે. કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે તેને હારથી કોઈ બચાવી નહીં શકે.


બીજી તરફ  વધુ એક કૉંગ્રેસ ઉમેદવારનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ખેડાના મહુધાના વર્તમાન ધારાસભ્ય અને કૉંગ્રેસ ઉમેદવાર ઈન્દ્રજીતસિંહ પરમારનો વીડિયો ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પોતાના ટ્વિટર પર વાયરલ કર્યો હતો. વીડિયોમાં ઈન્દ્રજીતસિંહ પરમાર લઘુમતી સમાજના લોકો વચ્ચે ઉભા દેખાઈ રહ્યા છે અને તેમને વચન આપી રહ્યા છે કે આ દવાખાનું અહીં જ રહેશે. બીજા વિસ્તારમાં નહીં જવા દઉં. સાથે જ એવું પણ કહી રહ્યા છે કે, લઘુમતીઓના લીધે જ હું ધારાસભ્ય બન્યો છું.