ગુજરાતની ચૂંટણીથી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ચૂકી છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપે 156, કોગ્રેસે 17, આમ આદમી પાર્ટીએ પાંચ અને અન્યએ ત્રણ અને સમાજવાદી પાર્ટીએ એક બેઠક જીતી હતી. આ ચૂંટણીમાં  તમામની નજર ઈસુદાન, ગોપાલ અને અલ્પેશ કથીરિયાથી પર હતી.






 પરંતુ આ ચૂંટણીમાં આપના પાંચ એવા અજાણ્યા ચહેરાઓ છે કે જે વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે. બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણા, ગારિયાધારથી સુધિર મકવાણા, જામજોધપુરથી હેમંત ખવા, વિસાવદરથી ભૂપત ભાયાણી અને ડેડીયાપાડાથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાનો વિજય થયો છે. તો આમ આદમી પાર્ટીના મોટા ચહેરા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયાનો પરાજય થયો છે


ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી આપના મુખ્યમંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી ચૂંટણી હારી ગયા હતા. તેમને 59 હજારથી વધુ મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર મૂળુભાઈને 77 હજારથી વધુ મત મળ્યા હતા. તેઓ વર્ષ 2021માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ વર્ષે 4 નવેમ્બરે તેમને મુખ્યમંત્રીપદનો ચહેરો તરીકે જાહેર કરાયા હતા.


ગુજરાતની ઐતિહાસિક જીતની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે આવેલા ભાજપ મુખ્યાલય પહોંચ્યા હતાં. અહીં મોદી-મોદીના ગગનભેદી નારા વચ્ચે પીએમ મોદીએ મોટી સંખ્યામાં હાજર ભાજપ નેતા અને કાર્યકર્તાઓને સંબોધ્યા હતાં. ભારત માતા કી જયના જયઘોષ સાથે પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ કાર્યકર્તાઓને નમન કર્યા હતાં. પીએમ મોદીએ ગુજરાતની ઐતિહાસિક જીત બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ  યાદ કર્યા હતાં.


પીએમ મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટીની ટીકા કરી હતી તો સાથે જ વિકાસના નારાને ફરી એકવાર મહત્વનો ગણાવ્યો હતો. તેમને ગુજરાતની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત બદલ ગુજરાતીઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો. 


દિલ્હી પાર્ટી હેડક્વાર્ટરથી સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ રેકોર્ડ તોડીને પણ રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો જનાદેશ ભાજપને આપીને રાજ્યની જનતાએ નવો ઈતિહાસ રચ્યો છે. તેમણે હસતાં હસતાં કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ તો રેકોર્ડમાં પણ રેકોર્ડ બનાવ્યો છે. લોકોએ જાતિ, વર્ગ, સમુદાય અને તમામ પ્રકારના વિભાજનથી ઉપર ઉઠીને ભાજપને મત આપ્યો છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. 


વડાપ્રધાને હળવા લહેજામાં કહ્યું હતું કે, ગુજરાતીઓએ તો કમાલ કરી દીધી. ભૂપેન્દ્રએ તો નરેન્દ્રનો જ રેકોર્ડ તોડી નાખ્યો. તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શાનદાર જીતને પણ યાદ કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલે વિધાનસભાની ચૂંટણીમાં 1 લાખ 91 હજાર મતોથી જીત ભવ્ય જીત હાંસલ કરી છે. તેમણે કાર્યકર્તાઓને સવાલ કરતા કહ્યું હતું કે, એક વિધાનસભાની ચૂંટણીમાં આટલા મતોથી જીત મેળવવી એ ખરેખર મોટી વાત છે.