Gujarat Assembly Elections 2022: ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ દરમિયાન રાજકીય પક્ષો ચૂંટણી માટે પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે પક્ષોની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ત્યાં બીજી તરફ AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં જોરશોરથી રેલીઓ કરી રહ્યા છે. આ દરમિયાન AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ તેમની પાર્ટીના બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
ઓવૈસીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ઓવૈસીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે AIMIM, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના બે ઉમેદવારોની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. 49-બાપુનગર બેઠક પરથી શાહનવાઝ ખાન પઠાણ (સિબુ ભાઈ) અને 163-લિંબાયત બેઠક પરથી અબ્દુલ બસીર શેખને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન, AIMIM દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
આ અગાઉ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન, AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ ગયા મહિને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી હતી, જમાલપુર બેઠક પરથી સાબીર કાબલીવાલા, દાણીલીમડા બેઠક પરથી કૌશિકા પરમાર અને સુરત પૂર્વ બેઠક પરથી વસીમ કુરેશીનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું. . તમને જણાવી દઈએ કે સાબીર કાબલીવાલા એઆઈએમઆઈએમના ગુજરાત અધ્યક્ષ પણ છે.
ગુજરાતમાં AAPને કેટલી મળશે સીટ, કેજરીવાલે પોતે જ કર્યો ખુલાસો
ભાવનગરમાં આમ આદમી પાર્ટીના સી.એમ અરવિંદ કેજરીવાલ અને ભગત માનનું આગમન થયું હતું. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સતત ત્રીજી વખત અરવિંદ કેજરીવાલ ભાવનગરના પ્રવાસે પહોંચ્યા છે. શહેરના ચિત્રા સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધી હતી.
આ દરમિયાન તેમણે કહ્યું કે, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માગ કરી હતી. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં થયેલા વિવિધ આંદોલનો દરમિયાન જે લોકો પર કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવાની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, બધા લોકોના કેસ પાછા ખેંચવામાં આવશે અને તેમને જેલ મુક્ત કરવામાં આવશે. આ તેમણે આઈબીના રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ કે, આઈબીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 92થી 93 સીટો મળી રહી છે.આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતને ડબલ એન્જિનની નહીં પરંતુ નવા એન્જિનની જરૂર છે.