કચ્છઃ ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના પાકિસ્તાનના વધુ એક ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે મધદરિયે ઓપરેશન પાર પાડી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ગુજરાત ATSને માહિતી મળી હતી કે દરિયાઈ માર્ગે પાકિસ્તાનથી એક બોટમાં ડ્રગ્સ આવી રહ્યું છે.
માહિતીના આધારે જખૌ બંદરથી 50 નોટિકલ માઈલ દૂર કોસ્ટગાર્ડે વોચ ગોઠવી હતી. આ સમયે અલ તિહાસા નામની એક સંદિગ્ધ બોટ દેખાઈ હતી. બોટને ઘેરી તેમાંથી 6 પાકિસ્તાની નાગરિકોને દબોચી લેવાયા હતા. તો બોટમાંથી 200 કરોડની કિંમતનું 40 કિલો હેરોઈન જપ્ત કરવામા આવ્યું હતું.
આ હેરોઈન કરાંચીથી રબદુલ્લા નામના શખ્શે મોકલાવ્યું હતું. તો પંજાબના અમૃતસરની જેલમાં કેદ એક નાઈજિરિયન શખ્શે આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો. ડ્રગ્સની ડિલિવરી લેવા માટે 2 શખ્શો આવવાના હતા. તેમને પણ દબોચી લેવાયા છે. હાલ તો તમામ પાકિસ્તાની નાગરિકો અને બોટને જખૌ બંદરે લવાયા છે. જ્યાં તેમની પૂછપરછ ચાલી રહી છે.
હાલમાં જ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પકડવા મામલે ગુજરાત પોલીસની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાત જ નહીં અનેક રાજ્યોના ડ્રગ્સ નેટવર્ક તોડવામાં આવી રહ્યાં છે. કોઈ ગમે તેવું રાજકારણ કરે, પોલીસ તેનું કામ કરશે અને ડ્રગ્સના આંકડા વધે તો ભલે વધે, અમે આ જ રીતે ઓપરેશન ચલાવીને ડ્રગ્સ પકડતા રહીશું.