ગાંધીનગરઃ ગુજરામાં આગામી 3 દિવસ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતની સાથે કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર વૉલ માર્ક લૉ પ્રેશરની સાથે વરસાદી ટર્ફ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદ રૂપે તેની અસર દેખાશે.


હવામાન વિભાગે માછીમારોને પણ બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. એક અંદાજ મુજબ ચોમાસાની વિદાયને વાર હોવાથી નવરાત્રિમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે. જો કે 17 તારીખ બાદ રાજ્યભરમાં વરસાદનું જોર ઘટશે તેવી પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 111 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 174 ટકા વરસાદ વરસ્યો છે.


બીજી તરફ આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરદાર સરોવર ડેમ પર જઈ નર્મદાના નીરના વધામણા કરશે. આજે રાત્રે 12 વાગ્યે સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ મહત્તમ સપાટી પર ભરાઈ જશે.  એવામાં આવતીકાલે સવારે 8 વાગ્યે મુખ્યમંત્રી ત્યાં નર્મદાના નીરના વધામણા કરશે. હાલ સરદાર સરોવર ડેમની જળસપાટી 138.40 મીટર પર તો ડેમની મહત્તમ સપાટી છે 138.68 મીટર છે. એટલે કે, સરદાર સરોવર ડેમની જળસપાટી તેની મહત્તમ સપાટીથી ફક્ત 28 સેન્ટીમીટર જ દૂર છે. ડેમના 10 દરવાજા ખોલી 1 લાખ ક્યૂસેકથી વધુ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.  તો ઉપરવાસમાથી હાલ 2 લાખ, 87 હજાર,216 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.


અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભારે વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલા તાલુકાના નાની વડાલ ગામમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી વહ્યા હતા. સાવરકુંડલાના ગાધકડા ગામમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય બજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ગોરડકાની ફૂલઝર નદીમાં પુષ્કળ પાણી આવતા ફૂલઝર ચેકડેમ છલકાયો છે. ચેકડેમ છલકાતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. ધારી તાલુકામાં ગામડાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા. તો નદી-નાળાઓમાં નવા નીર આવ્યા હતા.