Gujarat BJP: લોકસભા ચૂંટણી 2024ને લઇને ગુજરાત ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઠ દિગ્ગજ નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને 3 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદિપસિંહને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય અમિત ઠાકરને બનાસકાંઠા, કચ્છ, પાટણ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.
ઉપરાંત બાબુભાઈ જેબલીયાને મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર તો કે.સી.પટેલને ગાંધીનગર અને અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી હતી. તે સિવાય નરહરિભાઈ અમીનને આણંદ, ખેડા, પંચમહાલ,દાહોદ તો જ્યોતિબેન પંડ્યાને સુરત, નવસારી,બારડોલી, વલસાડની જવાબદારી સોંપવામાં આવી હતી. ભૂપેન્દ્ર ચુડાસમાને જૂનાગઢ,અમરેલી, ભાવનગર તો આર.સી.ફળદુને જામનગર,પોરબંદર,રાજકોટની જવાબદારી સોંપવામાં આવી હતી.
તે સિવાય લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનો વ્યાપ વધારવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અન્ય પક્ષના નારાજ નેતાઓને પક્ષમાં જોડવા માટે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં નાયબ દંડક જગદીશ મકવાણા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા, વડોદરા જિલ્લા પ્રભારી રાજેશ પાઠક અને ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
અન્ય પક્ષના કયા નારાજ નેતાને સામેલ કરવા તે અંગે કમિટી અભિપ્રાય આપશે. પ્રદેશ અને જિલ્લા, મહાનગર સ્તર પર સરપંચ પદ પરથી ચૂંટણી લડેલા અન્ય પાર્ટીઓના કે અપક્ષ ઉમેદવારો, સમાજના અને વિવિધ ક્ષેત્રના આગેવાનોના નામોની યાદી તૈયાર કરીને મોટી સંખ્યામાં પક્ષમાં જોડવાનો કાર્યક્રમ યોજાશે. તો ડિસેમ્બરમાં એક જ અઠવાડિયામાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી અને કૉંગ્રેસના ખંભાતના ચિરાગ પટેલને રાજીનામું આપ્યુ તે સમયે ભરત બોઘરા રાજીનામા સમયે હાજર હતા. ત્યારે હવે એ જ ભરત બોઘરાને આ કમિટીનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.