Gujarat: કબૂતરબાજીના કૌભાંડમાં ફ્રાંસથી પરત ફરેલા ગુજરાતીઓને લઈ મોટો ખુલાસો થયો હતો. મળતી જાણકારી અનુસાર, 15 એજન્ટોએ 60થી 80 લાખ રૂપિયા લઇને 66 ગુજરાતીઓને અમેરિકા મોકલ્યા હતા. આ મુસાફરો મહેસાણા, ગાંધીનગર, આણંદ તેમજ અમદાવાદ જિલ્લાના રહેવાસી છે.
સીઆઇડી ક્રાઇમની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ લોકોએ ધોરણ આઠથી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ લોકલ એજન્ટ મારફતે 60થી 80 લાખ રૂપિયા ચૂકવી અમદાવાદથી દુબઈ, દુબઈથી નિકારા ગુઆ અને ત્યાંથી અમેરિકા જવાના હતા. આ માટે મુસાફરોને સાથે રાખવા માટે એજન્ટોએ એક હજારથી 3 હજાર ડૉલર આપ્યા હતા. અમદાવાદ, મુંબઇ અને દિલ્હીથી 10 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન દુબઇ પહોંચ્યા હતા. બાદમાં 21 ડિસેમ્બર લિજેન્ડ એરલાઇન્સની ફ્લાઇટમાં નિકારા ગુઆ જવા માટે નીકળ્યા હતા. જો કે પાસપોર્ટમાં વિઝાના સ્ટેમ્પ ન હોવાથી ટિકિટની વ્યવસ્થા કઇ રીતે કરવામાં આવી હતી? આ ફ્લાઇટ કોણે બુક કરાવી હતી? આ તમામ વિગતો દુબઇથી મેળવવા માટે સીબીઆઇનો સંપર્ક કરાયો હતો.
66 મુસાફરોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મોટાભાગના ઓછું ભણેલા હતા.જેના કારણે સારા પગારની નોકરી ન મળતા ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. બીજી તરફ તમામ ૧૫ એજન્ટો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમને ઝડપી લેવા માટે સીઆઇડી ક્રાઇમે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે અને તમામની ધરપકડ બાદ અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.
સીઆઇડી ક્રાઈમે જણાવ્યું હતું કે મોટાભાગના મુસાફરોએ 8 થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. ફ્રાન્સ મારફતે ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે મુસાફરો સાથે 60 થી 80 લાખ રૂપિયાની ડીલ કરવામાં આવી હતી.
આ મુસાફરો દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યા હતા અને ત્યાંથી ગેરકાયદેસર રીતે અમેરિકાની સરહદ પાર કરવા જઈ રહ્યા હતા. પરંતુ માનવ તસ્કરીની આશંકાથી ફ્રાન્સના એરપોર્ટ પર વિમાનને રોકી દેવામાં આવ્યું હતું. ઘણા દિવસો સુધી અહીં રોકાયા બાદ પ્લેનને ભારત પરત મોકલવામાં આવ્યું હતું. આ વિમાનમાં 303 મુસાફરો સવાર હતા, જેમાંથી 260 ભારતીય હતા. ફ્રાન્સથી પરત આવ્યા બાદ આ પ્લેન 26મી ડિસેમ્બરના રોજ વહેલી સવારે મુંબઈ પહોંચ્યું હતું.