અમદાવાદઃ દેશની અદાલતોમાં વધી રહેલા કેસો વચ્ચે ગુજરાત ભાજપના એક નેતાએ ‘ન્યાયતંત્ર વેન્ટિલેટર પર !’ એવી ચોંકાવનારી ટ્વિટ કરી છે. અમરેલી જિલ્લા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે દેશની કોર્ટમાં પેન્ડિંગ કેસ અને ખાલી પડેલી ન્યાયધીશોની જગ્યાઓના આંકડા આપીને ‘ન્યાયતંત્ર વેન્ટિલેટર પર !’

  એવી ટ્વિટ કરી છે.


ડો. કાનાબારે ટ્વીટ કરી દેશની વિવિધ કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસના આંકડા જાહેર કર્યા છે. ટ્વિટમાં તેમણે લખ્યું છે કે,  દેશમાં નવો કેસ ના નોંધાયો તો પણ જે પેન્ડિંગ કેસ છે તેના નિકાલ માટે 360 વર્ષ લાગી જાય. તેમણે લખ્યું છે કે, દેશની વિવિધ કોર્ટમાં કુલ 4.50 કરોડ કેસ પેન્ડિંગ છે. હાઈકોર્ટમાં જજોની 42 ટકા અને નીચલી અદાલતમાં 5 હજારથી વધુ જગ્યાઓ ખાલી પડી છે. દેશની કોર્ટમાં જો  એક પણ નવો કેસ દાખલ ના થાય તો પણ અત્યારના તમામ પેન્ડિંગ કેસોનો નિકાલ થતા 360 વર્ષ લાગે.  ડો. કાનાબારે ટ્વીટ કરી પ્રધાનમંત્રી મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય કાયદા મંત્રી મીનાક્ષી લેખીને ટેગ કર્યા છે.






 ડો. કાનાબાર ભાજપના નેતા હોવા છતા પણ આ પહેલા વિવિધ મુદ્દે ટ્વીટ કરી રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે સવાલ ઉઠાવી ચૂક્યા છે. ડો. ભરત કાનાબારે થોડા દિવસ પહેલા બિસ્માર રોડ રસ્તા મામલે ટ્વીટ કર્યું હતું. તેમણે  લખ્યું હતું કે, એક-બે ચોમાસામાં જ રસ્તાના ટુકડા થઈ જાય તેવા નબળા રોડ બનાવતા લેભાગુ કોન્ટ્રાકટરો, કટકીબાજ અધિકારીઓ અને કેટલાક ભ્રષ્ટ લોકસેવકોની ટોળકી જ ખરા અર્થમાં 'ટુકડે ટુકડે' ગેંગ છે. જેમના કારણે લોકોના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે.


 આ ટ્વીટ ડો. કાનાબારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટેગ કર્યા હતા. ડો. ભરત કાનાબાર અમરેલી જિલ્લાના ભાજપના નેતા છે. તેઓ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે. ટ્વીટર પર તેમને ખુદ પ્રધાનમંત્રી મોદી પણ ફોલો કરી રહ્યા છે.