ભરૂચઃ નર્મદાના સાંસદ મનસુખ વસાવાની સુરક્ષામાં વધારો કરાયો છે. લવજેહાદ અંગે નિવેદન આપ્યા બાદ સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો હતો કે તેમને વિદેશમાંથી ફોન પર મારી નાખવાની ધમકી મળી છે. આ અંગે તેમણે નર્મદા અને ભરુચના જિલ્લા પોલીસ વડાને પણ જાણ કરી હતી. જે બાદ  તેમના નિવાસ સ્થાને 1 પોલીસ જવાન અને 2 હોમગાર્ડ જવાનની સુરક્ષા આપવામાં આવી છે.


ભરુચના સાંસદ મનસુખ વસાવાએ ગત સપ્તાહે ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ નાટકીય રીતે પરત ખેંચ્યું હોવાની જાહેરાત કરી હતી. આ અંગે પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મેં મારું સ્વાથ્ય સારું રહેતું ન હોવાથી રાજીનામું આપ્યું હતું. ખરાબ સ્વાસ્થ્યને કારણે ભરુચ મતવિસ્તારમાં પ્રવાસમાં તકલીફ પડતી હતી. જોકે, સરકારે સાંસદ બની રહેશો, તો સરકાર તમારી સારવારનો ખર્ચ ભોગવશે અને તમારી સારવાર સારી રીતે થઈ શકશે, તેમ જણાવ્યું હતું. તેમજ તેમને સાંસદ પદે બની રહેવા માટે ભલામણ કરી હતી. એટલું જ નહીં, તેમના પ્રવાસની જવાબદારી અન્ય અધિકારીઓને આપવાની વાત કરી હતી. જેથી તેમણે રાજીનામાનો નિર્ણય પરત લીધો હોવાની જાહેરાત કરી હતી.

રાજીનામું આપ્યા પછી સાંસદ વસાવાને મુખ્યમંત્રી રૂપાણીને મળવા માટે બોલાવ્યા હતા. રૂપાણીને મળતા પહેલા તેમણે લગભગ અડધો કલાક સુધી વનમંત્રી ગણપત વસાવા સાથે વાતચીત કરી હતી. આ પછી તેઓ પત્રકાર પરીષદમાં આવ્યા હતા. તેમજ તેમણે રાજીનામું પરત ખેંચ્યું હતું. આ સમયે તેમણે કોઈ પણ પ્રકારની રાજકીય સોદાબાજી થઈ હોવાનો ઇનકાર કર્યો હતો.