બોટાદઃ ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના નવા વેરીયન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે તેના કારણે ફફડાટ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સલાહ અપાય છે ત્યારે ભાજપના જ નેતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે.
આવી જ એક શરમજનક ઘટનામાં ગુજરાત સરકારના ભૂતપૂર્વ ઉર્જા મંત્રી અને બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ આયોજીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવીને હજારો લોકોને એકઠા કરાયા હતા.
બોટાદની સરકારી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતું. 25 ડીસેમ્બરના રોજ યોજાઈ આ સ્પર્ધાની ફાઇનલ મેચ યોજાઈ હતી. તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આઘાતજનક વાત એ છે કે, હજારોની સંખ્યામાં લોકોએ ઉમટી પડીને સોસીયલ ડિસ્ટન્સના સરેઆમ ધજાગરા ઉડાડ્યા તેનો વીડિયો પૂર્વ ઉર્જામંત્રી સૌરભ પટેલે પોતે જ પોસ્ટ કર્યો છે. કોરોના બાદ ઓમિક્રોનના વધતા સંક્રમણ વચ્ચે સૌરભ પટેલનો વીડિયો સરકાર સામે પડકાર રૂપ બન્યો છે.
સૌરભ પટેલની હાજરીમાં હજારોની સંખ્યામાં લોકોએ ઉમટી પડીને નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને ઓમિક્રોનને નિમંત્રણ આપ્યું હોવાનું સ્પષ્ટ છે.
ગુજરાતમાં કોરોના કેસ
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 177 કેસ નોંધાયા છે. બીજી તરફ 66 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,298 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.67 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 41,031 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ગઈકાલે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 52, રાજકોટ કોર્પોરેશનમાં 24, સુરત કોર્પોરેશનમાં 20, વડોદરા કોર્પોરેશનમાં 15, રાજકોટમાં 12, વલસાડમાં આઠ, સુરતમાં પાંચ, અમરેલીમાં ચાર, ગીર સોમનાથમાં ચાર, ખેડામાં ચાર, કચ્છમાં ચાર, બનાસકાંઠામાં ત્રણ, જામનગર કોર્પોરેશનમાં ત્રણ, આણંદમાં બે, ગાંધીનગરમાં બે, ગાંધીનગર કોર્પોરેશનમાં બે, જૂનાગઢ કોર્પોરેશનમાં બે, અમદાવાદમાં એક, ભરૂચમાં એક, ભાવનગરમાં એક, ભાવનગર કોર્પોરેશનમાં એક, જામનગરમાં એક, મહેસાણામાં એક, નવસારીમાં એક, પંચમહાલમાં એક, સાબરકાંઠામાં એક, તાપીમાં એક અને વડોદરામાં એક નવો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 948 કેસ છે. જે પૈકી 10 વેન્ટીલેટર પર છે, જ્યારે 938 નાગરિકો સ્ટેબલ છે. 8,18,298 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10113 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.