દહેરાદૂનઃ ઉત્તરાખંડ ફરવા ગયેલા સુરેન્દ્રનગરના ત્રણ યુવાનોને અકસ્માત નડતાં એક યુવકનું મોત નિપજ્યું છે જ્યારે એક યુવક અને ડ્રાઈનર લાપત્તા છે. બીજા એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. અન્ય એક યુવક અને ડ્રાઈવરની શોધખોળ હજી પણ ચાલુ છે પણ કોઈ પત્તો લાગ્યો નથી. તેમની કાર 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી તેમાં એક યુવકનું મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના ત્રણ આગેવાનો હિતેન્દ્રસિંહ ચૌહાણ ( જિલ્લા ભાજપ મહામંત્રી) મૃગેશ રાઠોડ - (યુવા ભાજપ મહામંત્રી) અને કૃપાલસિંહ ઝાલા ( લીંબડી ગ્રામ્ય યુવા મોરચા પ્રમુખ ) બદ્રીનાથ દર્શનાર્થે ગયા હતા. જ્યાં અલકનંદા ખાડીમાં કાર ખાબકતા એક યુવકનું મોત નિપજયું હતું. એસડીઆરએફ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણેય લીંબડી, વઢવાણ અને ચોટીલા ખાતે રહેતા હતા.


ત્રણ યુવક બદ્રીનાથ-કેદારનાથના દર્શને ગયા હતા ત્યારે પરત ફરતા સમયે તેમની ઈનોવા કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં મૃગેશ રાઠોડનું નિધન થયું છે. હિતેન્દ્રસિંહ ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો છે. ક્રિપાલસિંહ ઝાલા અને ઈનોવા કારનો ડ્રાઈવર ધર્મપાલ હજી પણ ગાયબ છે. તેઓને શોધવાની કવાયત ચાલુ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ ઘટનાની જાણ થતાં તેમણે ઉત્તરાખંડના અધિકારીઓ સાથે વાત કરી હતી અને યુવકને શોધવાનું કામ યુધ્ધના ધોરણે શરૂ કરાયું છે.