ગાંધીનગર: આજથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની વાર્ષિક પરીક્ષા શરૂ થશે. રાજ્યમાં કુલ 17.53 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તંત્ર દ્વારા તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.


કેટલા વિદ્યાર્થી આપશે પરીક્ષા

ધોરણ 10માં કુલ 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.43 લાખ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5. 27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ શાંતીપૂર્ણ રીતે પરીક્ષાઓ આપી શકે તે માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. જે સ્કૂલોમાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે ત્યાં વર્ગખંડોમાં CCTVની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જેલમાં કેદીઓ, દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા

137 ઝોન 1587 કેન્દ્ર 5559 બિલ્ડીંગ 60 હજાર 27 વર્ગ ખંડમાં પરીક્ષા થવાની છે. જેલના કેદીઓ માટે જેલમાં વ્યવસ્થા કરી ધોરણ 10ના 125 અને 12ના 50 કેદીઓ માટે વ્યવસ્થા કરાઈ છે. દિવ્યાંગ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર વ્યવસ્થા છે.  આ ઉપરાંત પ્રજ્ઞા ચક્ષુઓ માટે બ્રેનલિપીની વ્યવસ્થા કરવામાં આવી છે.

અગત્યના પ્રશ્નપત્રોના દિવસો વર્ગ-1 અને 2ના અધિકારીઓ રહેશે હાજર

અતિ સંવેદનશીલ પરિક્ષા કેન્દ્રો ઉપર એસ આર પી અને સી આર પી એફ  તૈનાત રહેશે. અગત્યના પ્રશ્નપત્રોના દિવસે પરિક્ષા કેન્દ્રો ઉપર વર્ગ 1 અને 2 ના અધિકારીઓ હાજર રહેશે. તમામ પરિક્ષા કેન્દ્રોનું  સીસીટીવી અને ટેબ્લેટ મોનીટરીંગ કરવામાં આવશે.