ગાંધીનગરઃ ધોરણ 12 સાયંસના વિદ્યાર્થીઓનું બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. કોરોનાને લીધે માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ ધોરણ 12 સાયંસના એક લાખ સાત હજાર નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર થયેલુ પરિણામ માત્ર સ્કૂલો પોતાના ઈંડેક્સ નંબરના આધારે જોઈ શકશે. જ્યારે વિદ્યાર્થીઓ સીધુ પોતાનું પરિણામ જોઈ શકશે નહી.
પરંતુ સ્કૂલો પોતાના વિદ્યાર્થીઓનું પરિણામ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપી શકશે. વિદ્યાર્થીઓને પરિણામ પહોંચાડવા માટે શિક્ષણ બોર્ડ અલગથી સૂચના આપશે. ધોરણ 12ના તમામ પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓના ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. પરિણામ આવ્યા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અસંતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ આવ્યાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટેશિક્ષણ બોર્ડ અલગથી પરીક્ષા યોજશે. જે અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે.
ગુજકેટની પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (જીએસઇબી) દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 6 ઓગષ્ટ 2021નાં રોજ ગુજકેટ પરીક્ષા લેવાશે. સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી ગુજકેટ પરીક્ષા યોજાશે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વર્ષ 2017થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ ફરજિયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલી છે. જે અનુસંધાને વર્ષ-2021 માટે રાજ્યમાં આવેલી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સાયન્સના વિદ્યાર્થીઓની ગુજકેટ 6 ઓગસ્ટ, 2021 શુક્રવારના રોજ લેવાનો નિર્ણય કરાયો છે.
હાલમાં ગુજકેટ માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા હોલ ટિકિટ ઈશ્યૂ કરવામાં આવશે. ત્યારબાદ પરીક્ષા માટેની અંતિમ તૈયારીઓ કરવામાં આવશે. બોર્ડ દ્વારા ગતવર્ષે પણ ઓગસ્ટમાં જ ગુજકેટ લેવામાં આવી હતી. ત્યારબાદ આ વખતે પણ ગુજકેટ ઓગસ્ટમાં જ લેવાનું નક્કી કરાયું છે. ગુજકેટ 6 ઓગસ્ટે સવારે 10થી 4 દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.