ગાંધીનગર: આજે ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. 6 વાગ્યા સુધીમાં સરેરાશ 57.29 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર નોંધાયું છે. સૌથી ઓછુ મતદાન ધારી બેઠક પર નોંધાયું છે.


ધારીમાં 42.18 ટકા, ગઢડામાં 47.86 ટકા, ડાંગમાં 74.71 ટકા, અબડાસા 57.78 ટકા, મોરબીમાં 51.88 ટકા લિંબડીમાં 56.04 ટકા, કરજણમાં 65.94 ટકા અને કપરાડામાં 67.34 ટકા મતદાન થયું છે.

કોરોના કાળ વચ્ચે પેટા ચૂંટણીમાં આઠ વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું. મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં કુલ 81 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયું છે.

કઈ બેઠક પર કયા પક્ષમાં કોણ છે ઉમેદવાર

ધારી બેઠક પર ભાજપમાંથી જે.વી. કાકડિયા, , જ્યારે કૉંગ્રેસમાંથી સુરેશ કોટડિયા મેદાનમાં હતા. મોરબી બેઠક પર ભાજપમાંથી બ્રિજેશ મેરજા મેદાનમાં , તો કૉંગ્રેસમાંથી જયંતિ જયરાજ મેદાનમાં હતા. ગઢડા બેઠક પર ભાજપમાંથી આત્મારામ પરમાર , તો કૉંગ્રેસમાંથી મોહન સોલંકી ઉમેદવાર હતા. લીંબડી બેઠક પર ભાજપે કિરીટસિંહ રાણાને મેદાનમાં ઉતાર્યા હતા, જેમની સામે કૉંગ્રેસે ચેતન ખાચરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.

કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ હતા, જ્યારે કૉંગ્રેસ તરફથી કિરીટસિંહ જાડેજા ઉમેદવાર હાત. અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા ચૂંટણી મેદાનમાં હતા, જેની સામે કૉંગ્રેસે શાંતિલાલ સેંઘાણીને મેદાનમા ઉતાર્યા હતા. ડાંગ બેઠક પર ભાજપે વિજય પટેલને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે કૉંગ્રેસે સૂર્યકાંત ગાવિતને ઉમેદવાર બનાવ્યા હતા. કપરાડા બેઠક પર ભાજપે જીતુ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા, જ્યારે કૉંગ્રેસે બાબુ વરઠા ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.