કરજણ: ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. આ બેઠકોમાં કરજણ બેઠકનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી થાય તે પહેલા જ કરજણમાં કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપતાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.

કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકસિંહ રાણાએ અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. તેમણે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું મોકલી આપ્યું છે. કરજણ પેટા ચૂંટણી પહેલા રાજીનામું પડતાં અનેક પ્રકારની રાજકીય અટકળો થઈ રહી છે.  માર્ચ મહિનામાં રાજ્યસભા ચૂંટણી પહેલા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પંજો છોડી કેસરિયો ધારણ કરતાં આ બેઠક પર પેટા ચૂંટણી થઈ રહી છે.



પેટા ચૂંટણીમાં કોગ્રેસ તરફથી સિધ્ધાર્થ પટેલને મેદાનમાં ઉતારવામાં આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. સિધ્ધાર્થ પટેલ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ડભોઈ બેઠક પરથી હારી ગયા હતા. સિધ્ધાર્થ પટેલને ટિકિટ આપવામાં આવે તો ભાજપના તમામ ગણિત પલટાઈ જાય અને ભાજપ માટે આ સીટ ટફ બની જાય એવું કોંગ્રેસના નેતા માને છે. જો કે સિધ્ધાર્થ પટેલ પોતાના મતવિસ્તારામાં જ હારી ગયા છે ત્યારે બીજી બેઠક પર કઈ રીતે જીતી શકે એ સવાલ છે. હાલમાં તો આ બેઠક માટે ઉમેદવારી કરવા તૈયાર સિધ્ધાર્થ પટેલ સામે કોઈ અસંતોષનો સૂર ના ઉઠે એ માટે સ્થાનિક નેતાઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ 8 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડશે. 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.