ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે રાજ્યના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ સવારે 11:30 કલાકે યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. તો બીજી તરફ મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગઈકાલ મુખ્યમંત્રી અને રાજ્યપાલની મુલાકાતને છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. જોકે, આ મુલાકાત આજે સવારે 9 વાગ્યે કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. રાજીનામું આપનાર 4 કે 5 મંત્રીઓ રિપીટ થઈ શકે છે.
આ ફેરબદલ ભાજપના મિશન 2027 માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણી પહેલા નવા સમીકરણનોનું પરીક્ષણ કરવાની તૈયારી કરી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સવારે 11 વાગ્યે નવા મંત્રીઓને શપથ લેવડાવશે. વર્તમાન મંત્રીમંડળમાં આઠ કેબિનેટ મંત્રીઓ અને આઠ રાજ્યમંત્રીઓ સહિત 16 મંત્રીઓનો સમાવેશ થાય છે. પટેલે 12 ડિસેમ્બર, 2022ના રોજ મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા હતા. 182 સભ્યોની વિધાનસભામાં 27 મંત્રીઓની ક્ષમતા છે, જે ગૃહની કુલ શક્તિના 15 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે વિસ્તરણમાં દસ નવા મંત્રીઓનો ઉમેરો થઈ શકે છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડા સમારોહમાં હાજર રહેશે. તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના ટોચના નેતૃત્વએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને વરિષ્ઠ નેતાઓ સાથે અંતિમ ચર્ચા કરી છે. નડ્ડાનો ગુજરાત પ્રવાસ પીએમ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠકના થોડા દિવસો પછી થયો છે, જ્યાં ગૃહમંત્રી અમિત શાહ, સીઆર પાટીલ અને સીએમ પટેલે ફેરબદલ માટે રણનીતિ ઘડી હતી.
પહેલા સંગઠનાત્મક ફેરફારો, હવે સરકારનો વારો
મંત્રીમંડળમાં ફેરબદલ પહેલા પાર્ટીએ જગદીશ વિશ્વકર્માને નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. ગુજરાત સરકારમાં ભૂતપૂર્વ રાજ્યમંત્રી વિશ્વકર્માને સીઆર પાટીલના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યા છે.
કોણ બની શકે છે મંત્રી
ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ સનદી અધિકારી પી.સી.બરંડાનો મંત્રીમંડળમાં સમાવેશ શક્ય છે. સૌરાષ્ટ્રની 47 પૈકી ભાજપ પાસે 42 બેઠક છે. સૌરાષ્ટ્રના સાતથી આઠ ધારાસભ્ય મંત્રી બનશે. સૌરાષ્ટ્રના ત્રણ લેઉવા અને એક કડવા પાટીદાર ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. કોળી સમાજના બે અને આહિર સમાજના એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. સૌરાષ્ટ્રમાં SCના એક અને ક્ષત્રિય સમાજમાંથી એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. કિરીટસિંહ રાણા, રિવાબા જાડેજાનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.
આ નેતાઓ બની શકે છે મંત્રી
આહિર સમાજમાંથી ઉદય કાનગડને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. કુંવરજી બાવળિયાને મંત્રી મંડળમાં યથાવત રખાય તેવી શક્યતા છે. પરસોત્તમ સોલંકીના સ્થાને ભાઈ હીરા સોલંકીને સ્થાન મળી શકે છે. અર્જુન મોઢવાડિયાને નવા મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજાને સ્થાન મળી શકે છે. મધ્ય ગુજરાતમાંથી પાંચથી છ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. રમણ સોલંકી, ઈશ્વરસિંહ પટેલ અથવા રમેશ પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.
2021માં પણ આખી સરકાર બદલાઈ ગઈ હતી
2022ની વિધાનસભા ચૂંટણીના 15 મહિના પહેલા સપ્ટેમ્બર 2021માં આખી સરકાર બદલાઈ ગઈ હતી. આ વખતે ચૂંટણી આડે લગભગ 26 મહિના બાકી છે. જોકે, આ વખતે મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું નથી.