અમદાવાદઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણીએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ભૂપેન્દ્ર પટેલ એકદમ લો પ્રોફાઈલ નેતા છે અને પહેલી જ વાર 2017માં ધારાસભ્ય બન્યા છે તેથી તેમના વિશે કે તેમના પરિવાર વિશે લોકોને બહુ માહિતી જ નથી.


ભૂપેન્દ્ર પટેલનો પરિવાર બહુ નાનો છે. તેમના પરિવારમાં પત્નિ હેતલબેન, પુત્ર અને પુત્રી છે. ભૂપેન્દ્ર પટેલનાં 1984માં હેતલબેન સાથે લગ્ન  થયાં હતાં. ભૂપેન્દ્રભાઇનાં પત્ની હેતલબેન તેમનાં માતા-પિતાનું એકનું એક સંતાન હોવાથી હેતલબેનના  પિતાના અવસાન પછી તેમનાં માતા હાલમાં તેમની સાથે જ રહે છે. છેલ્લાં 15 વર્ષથી સાથે રહેતા ભૂપેન્દ્રભાઇનાં સાસુ 91 વર્ષનાં હોવા છતાં એકદમ સ્વસ્થ છે અને ભૂપેન્દ્રભાઈને દીકરાની જેમ રાખે છે.


ભૂપેન્દ્ર પટેલ અને હેતલબેનનો  દીકરો અનુજ એન્જિનિયર છે અને કન્સ્ટ્રક્શન બિઝનેસમાં છે. અનુજે પણ પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે. તેમનાં પુત્રવધુનું નામ દેવાંશી પટેલ છે. તેમની  દીકરી ડેન્ટિસ્ટ છે અને તેનું નામ ડો. સુહાની પટેલ છે. તેમના  જમાઈ પાર્થ પટેલ પણ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં છે અને બોપલ-આંબલી ખાતે રહે છે.  બંને તેમની કંપની વિહાન એસોસિએટ્સનું કામકાજ સંભાળે છે.  ભૂપેન્દ્ર પટેલના નાના ભાઈનું નામ કેતન પટેલ છે.


ભૂપેન્દ્રભાઈના પિતા અમદાવાદ પોલિટેક્નિકમાં પ્રિન્સિપલ હતા. આ કારણે તેમના ઘરમાં શિક્ષણનો માહોલ રહ્યો. ભૂપેન્દ્રભાઈએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના નાના ભાઈ અને બહેન પણ શિક્ષિત છે.


ભૂપેન્દ્ર પટેલના પરિવારને પણ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે એવી કલ્પના નહોતી. રવિવારે ભૂપેન્દ્રભાઈના નામની જાહેરાત થઈ પછી મીડિયાએ તેમનાં પત્નીને પૂછ્યું કે, તેમને ક્યારે ખબર પડી ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે અમને તો ખબર ન હતી. સાંજે 4.05 વાગ્યે અમને ટીવી દ્વારા ખબર પડી કે તેમનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થયું છે. મેં તરત જ મારા પુત્રને ઊંઘમાંથી ઉઠાડીને સમાચાર આપ્યા. અમારા ઘરમાં કોઈ જ રાજકારણની વાતો થતી નથી, કેમ કે પરિવારમાં તેઓ જ રાજકારણમાં છે. મંત્રીમંડળમાં તેમને ક્યારેક પદ મળે એવી અમને આશા હતી, પરંતુ તેઓ ચીફ મિનિસ્ટર બનશે એ તો ક્યારેય નહોતું વિચાર્યું.