Gujarat Civic Bypolls: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણી યોજાઇ હતી. રાજ્યની ખાલી પડેલી 18 પાલિકાની 29 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેનું આજે ચૂંટણી પરિણામ જાહેર કરાયું હતુ. અત્યાર સુધીમાં રાજ્યની પાંચ પાલિકાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. પાલિતાણા, ડીસા, મોડાસા, જંબુસર અને આણંદ પાલિકામાં કોંગ્રેસ ઉમેદવારોની જીત થઈ હતી.  મોડાસા પાલિકાની વોર્ડ નંબરની 7 ની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મોયુદ્દીન મલેકનો 65 મતથી વિજય થયો હતો.  ભાજપના ઉમેદવારને માત્ર 67 મત મળ્યા હતાં.






બીજી તરફ  પાલિતાણા પાલિકાની બે વોર્ડની પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં વોર્ડ નં 1ના પરિણામ જાહેર થતા કોંગ્રેસની આખી પેનલની જીત થઈ હતી. આ તરફ ડીસાના વોર્ડ નંબર 9નું પરિણામ જાહેર થતા કોંગ્રેસ ઉમેદવાર ઈમરાન કુરેશી વિજેતા બન્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન કુરેશીની 902 મતે જીત થઈ હતી.  અગાઉ અપક્ષ ઉમેદવારે રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. તો જંબુસર અને આણંદમાં કોંગ્રેસ ઉમેદવારની જીત થઈ હતી.



 પોરબંદરની છાંયા, મહેસાણાની ઊંઝા, પંચમહાલની ગોધરા, પાટણની સિદ્ધપુર, નર્મદાની રાજપીપળા અને સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા પાલિકામાં ભાજપની જીત થઈ હતી. રાજપીપળા પાલિકાના વોર્ડ નં 6ના સભ્યનું અવસાન થતા યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પાર્થ જોશીનો 1089 મતથી વિજય થયો હતો. આ તરફ ખેડાની ઠાસરા પાલિકાના વોર્ડ નં 2માં ભાજપ ઉમેદવારનો 2 મતે વિજય થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ મલેકને 718 તો ભાજપના ઉમેદવાર પ્રજ્ઞેશ ગોહિલને 720 મત મળતા વિજેતા જાહેર થયા હતાં.. આ તરફ ધ્રાંગધ્રા પાલિકાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.  ભાજપના ઉમેદવાર અનીશાબેન ચૌહાણની જીત થઈ હતી. આ તરફ પાટણની સિદ્ધપુર પાલિકાના વોર્ડ નં 2માં ભાજપના ચાર સભ્યોની પેનલનો વિજય થયો હતો.




પોરબંદર નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઇ છે. રાજપીપળા, ઊંઝા, ગોધરા નગરપાલિકામાં ભાજપની જીત થઇ હતી. સિદ્ધપુર, ધ્રાંગધ્રા નગરપાલિકામાં પણ ભાજપની જીત થઇ હતી. જ્યારે આણંદ, મોડાસા, જંબુસર, ડીસા, પાલનપુર નગરપાલિકામાં કૉંગ્રેસની જીત થઇ હતી. મોડાસા નગરપાલિકાની પેટા ચૂંટણી જીતતા કૉંગ્રેસને વિપક્ષ પદ મળ્યુ હતું.  ઉંઝા નગરપાલિકામાં ભાજપના સંદિપ પટેલનો વિજય થયો હતો.