Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત થયા હતા. ત્રણેય ગુજરાતી મૃતકોના મૃતદેહો ગુજરાત લાવવામાં આવ્યા હતા. આ આતંકી હુમલામાં સુરતના શૈલેષ કળથિયા અને ભાવનગરના પિતા પુત્ર સ્મિત અને યતિશ પરમારનું મોત થયું હતું.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મોત થયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુ:ખદ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી પટેલે બુધવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું હતું કે, 'ગુજરાત સરકાર આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓના પરિવારો પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ વ્યક્ત કરે છે. સરકાર મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે ભાવનગરની જશે
આ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓમાં ભાવનગરના યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરતના શૈલેષ કળથિયા પણ આ હુમલાનો ભોગ બન્યા હતા. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. સરકારે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પટેલ ગુરુવારે ભાવનગર જશે જ્યાં તેઓ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ આપશે અને તેમના પરિવારના સભ્યોને મળશે.
પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ મોડી રાત્રે ભાવનગર લવાયા હતા. આજે અંતિમયાત્રામાં શ્રદ્ધાંજલિ આપવા મુખ્યમંત્રી પણ ભાવનગર જશે. અમદાવાદ એરપોર્ટ પર નેતાઓ, CISFના જવાનોએ મૃતદેહને શ્રદ્ધાંજલિ આપી હતી. બંનેની અંતિમ વિધિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે.
ઉલ્લેખનીય છે કે પહલગામ જમ્મુ અને કાશ્મીરનું એક મુખ્ય પર્યટન સ્થળ છે જ્યાં દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે. આ પ્રકારના આતંકવાદી હુમલાએ ફરી એકવાર સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળો સતર્ક થઈ ગયા છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.