જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના શૈલેષભાઈની અંતિમ યાત્રા નીકળી હતી. ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તો સુરતમાં કેન્દ્રિય મંત્રી સી.આર પાટીલ સહિત ભાજપના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આજે મોટા વરાછાથી સુરતના શૈલેષ કળથિયાની અંતિમયાત્રા નીકળી હતી. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે શૈલેષ કળથિયાને શ્રદ્ધાજંલિ આપી હતી. હર્ષ સંઘવી, મુકેશ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, કુમાર કાનાણી પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા. આતંકીઓ અને પાકિસ્તાનને પાઠ ભણાવવાની સાર્વત્રિક માંગ કરવામાં આવી રહી છે.
પહલગામ આતંકી હુમલાના મૃતક યતિશ પરમાર તેમના પુત્ર સ્મિત પરમારના ભાવનગરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. સ્મિત અને યતિશ પરમારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જીતુ વાઘાણીએ શ્રદ્ધાજંલિ આપી હતી. પહલગામ આતંકી હુમલાને લઈને ભાવનગર અને સુરત સહિત રાજ્યભરમાં મોતનો માતમ છવાયો હતો.
પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ત્રણેય ગુજરાતીઓની અંતિમયાત્રા નીકળી હતી. ભાવનગરના પિતા પુત્ર એવા યતિશ પરમાર અને સ્મિત પરમારની અંતિમયાત્રા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં પહોંચ્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પરમાર પરિવારને સાંત્વના આપી હતી. પરિવારની મહિલાઓ કલ્પાત કરી હતી. પરિવારે ન્યાય અપાવવાની માંગણી પણ કરી હતી. આખા ભાવનગરે અશ્રૃભીની આંખે પિતા-પુત્રને અંતિમ વિદાય આપી હતી.
બીજી તરફ બેન્કના મેનેજર અને દીકરીની 12મા ધોરણની પરીક્ષા પૂર્ણ થતા પરિવારને લઈને કાશ્મીર પ્રવાસે ગયેલા પણ આતંકીઓની ગોળીનો શિકાર બનેલા સુરતના શૈલેષ કળથિયાના પાર્થિવદેહને પણ અંતિમ વિદાય અપાઈ હતી. .. મોટા વરાછામાં તેમનો પાર્થિવ દેહ જ્યાં રખાયો હવો ત્યાં વહેલી સવારથી હજારો લોકો ઉમટ્યા હતા. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ..રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ, પ્રફૂલ પાનશેરિયા, તેમજ કુમાર કાનાણીએ પણ શૈલેષભાઈના પાર્થિવદેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સી.આર.પાટીલે કળથિયા પરિવારને ન્યાય અપાવવાની ખાતરી પણ આપી હતી.