અમદાવાદ: ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ભાજપે પોતાના 6 ઉમેદવારોની યાદી ગઈકાલે રાત્રે જાહેર કરી હતી. કોંગ્રેસે પણ ચાર બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે બે બેઠકો રાધનપુર અને ખેરાલુ સીટ પર ઉમેદવારોના નામ જાહેરા કર્યા ન હતા. જોકે આજે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ હોય કોંગ્રેસે છેલ્લી ઘડીએ પત્તા ખોલતા ખેરાલુ અને રાધનપુર સીટ પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે.
હવે કોંગ્રેસે વધુ બે સીટો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં રાધનપુર બેઠક પરથી રઘુ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ખેરાલુ બેઠક પરથી બાબુજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે.
આમ હવે રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસના રઘુ દેસાઈની ટક્કર થશે. જ્યારે ખેરાલુ બેઠક પર બે ઠાકોર નેતાઓ વચ્ચે ટક્કર જામશે. આજે વિધાનસભાની છ બેઠકની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે.