કાંકરેજઃ ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. કોરોનાકાળમાં યોજાઈ રહેલી પેટા ચૂંટણી વચ્ચે કોંગ્રેસ માટે દુઃખધ સમાચાર સામે આવ્યા છે. કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસી ખાનપુરાનું કોરોનાથી નિધન થયું છે.

કોંગ્રેસના કાંકરેજ બેઠકના પૂર્વ ધારાસભ્ય ધારસી ખાનપુરાની યુ.એન. મહેતા હોસ્પિટલમાં કોરોનાને લઇને સારવાર ચાલી રહી હતી. ધારસી ખાનપુરા કોંગ્રેસના પીઠ નેતામાંથી એક હતા. તેઓ કાંકરેજના વડા ગામના વતની હતા. તેમના નિધનથી ઠાકોર સમાજને મોટી ખોટ પડી છે. 2012માં તેઓ કાંકરેજ બેઠકથી માત્ર 600 વોટથી જીત્યા હતા. ધાનપુરાના નિધન પર પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય શ્રી ધારસીભાઈ ખાનપુરાના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. શોકગ્રસ્ત પરિવાર અને એમના શુભેચ્છકોને સાંત્વના. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.



નવેમ્બરના પ્રથમ દિવસથી રાજ્યમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સોમવારે સાંજે 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોના વાયરસના 875 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 4 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3728 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,700 એક્ટિવ કેસ છે, જ્યારે 1,58,251 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 58 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,642 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,74,679 પર પહોંચી છે.