અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ કરી હતી. ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પોતાના નિવેદનમાં કહ્યું કે, હું પક્ષનો સૈનિક છું, સેનાપતિ જવાબદારી નક્કી કરે છે. વિચાર મંથન બાદ મને જવાબદારી સોંપી છે. મે આ નિર્ણયને હ્રદયપૂર્વક આવકાર્યો છે. શક્તિસિંહ ગોહિલે નેતાઓ અને કાર્યકર્તાઓને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ કોઈ જૂથબંધીના નેતા નથી પરંતુ તેઓ પક્ષના નેતા છે. માત્ર આટલું જ નહીં પરંતુ શક્તિસિંહ ગોહિલની પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ બાદ પ્રથમ વાર મીડિયા સમક્ષ પોતાની વાત મૂકી અને કેટલીક મહત્વપૂર્ણ બાબતો અંગે વાત કરી હતી.
રાજીવ ગાંધી ભવન ખાતે ચાર્જ સંભાળશે
શક્તિસિંહે કહ્યું કે કૉંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા કે અન્ય પક્ષમાં ગયેલા નેતાઓને જો ઘર વાપસી કરવી હોય તો તેઓ તેમને કોંગ્રેસમાં સ્વીકારવા માટે તૈયાર છે. લોકોને ડરાવી ધમકાવીને લઈ જવામાં આવ્યા હતા. હકીકતમાં તેમની જવાની ઈચ્છા ન હતી. કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ 18 મી જુને પોતાનો કાર્યભાર સંભાળવાના છે. આ પહેલા તેઓ ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીના ચરણોમાં શીશ ઝુકાવશે. 18મી જૂને 10 કલાકે ગાંધી આશ્રમ ગાંધીજીના ચરણોમાં નમન કરી, પગપાળા રાજીવ ગાંધી ભવન ખાતે જઈ ચાર્જ સંભાળશે.
કેન્દ્રમાં ભાજપની સરકાર, કેમ ભ્રષ્ટાચાર બાબતે કાર્યવાહી નથી કરતા
ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મોટી વાત કરતા કહ્યું કે ભાજપ સાથે વૈચારિક મતભેદો ગમે તેવા હોય પરંતુ ગુજરાતના હિતની વાત હશે ત્યારે સાથે ઉભા રહેશે. આ ઉપરાંત ભાજપ દ્વારા લગાવવામાં આવતા ભ્રષ્ટાચારના આરોપો અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે છેલ્લા નવ વર્ષ દરમિયાન કેન્દ્રમાં ભાજપની સરકાર છે, કેમ તેઓ ભ્રષ્ટાચાર બાબતે કાર્યવાહી નથી કરતા અને સજા નથી કરી રહ્યાં ? શક્તિસિંહ ગોહિલે આવનાર દિવસોમાં રોજગારી, ખેડૂતોના મુદ્દા, મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈ કામ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, ફિક્સ પગાર,રોજગારી,ખેડૂત,નાના વેપારીની સમસ્યાના મુદ્દાને લઈ રાજ્યની જનતાનો સહયોગ માંગુ છું. 18મી જૂને 10 કલાકે ગાંધી આશ્રમ ગાંધીજીના ચરણોમાં નમન કરી, પગપાળા પદભાર સંભાળવા જઈશ. શક્તિસિંહ રાજીવ ગાંધી ભવન ખાતે ચાર્જ સંભાળશે.
શક્તિસિંહે આગળ કહ્યું કે, મુદ્દા આધારિત ચૂંટણી હોવી જોઈએ. અમે લોકો વચ્ચે જઈશું. જગ્યા ખાલી છે અને યુવાનોને નોકરી નથી મળી રહી. ગેસનો બાટલો, પેટ્રોલ, ડીઝલ અને મોંઘવારીના મુદ્દા સાથે સકારાત્મક વલણ સાથે કામ કરીશું. હું જૂથબંધીવાળો રાજકારણી નથી. મારી જોડે આવો અને ખુલ્લા મને ચર્ચા કરો. કૉંગ્રેસમાં ક્યારેય કોઈનો અસ્વિકાર નથી, બધાને આવકાર છે પણ બળજબરી પૂર્વક નહીં.