અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. જયરાજસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને લખેલા બે પાનાના પત્રમાં લખ્યું છે કે, સ્વમાનના ભોગે હું રહી ના શકું.
જયરાજસિંહે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, મને કોંગ્રેસમાં ક્ષમતા પ્રમાણે કદી કામગીરી નથી મળી. મને વિધાનસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ પણ નથી અપાઈ. મારું સ્વમાન ઘવાતું હોવાથી હું રાજીનામું આપું છું. તેમણે કહ્યું કે, મારે સ્વમાન ના જળવાય ત્યાં રહેવું જ નથી.
જયરાજસિંહે ભાજપમાં જોડાવાનો સંકેત આપતાં કહ્યું કે, મેં કોંગ્રેસ છોડી છે પણ રાજનીતિ છોડી નથી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોઈ વિકલ્પ નથી. આ નિવેદન દ્વારા જયરાજસિંહે ભાજપમાં જોડાવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે.
નોંધનીય છે કે, પક્ષમાં તેમની અવગણના કરવામાં આવતી હતી જેથી તેઓ ઘણા સમયથી નારાજ હતા. જે મામલે તેમણે અગાઉ ટ્વીટ પણ કર્યું હતું. મહેસાણાથી અમુક કોંગ્રેસ નેતાઓ પણ ભાજપમાં જોડાવાના છે. જેમા તે નેતાઓ જયરાજસિંહના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મુદ્દે એવી માહિતી સામે આવી છે કે કેન્દ્રીય મંત્રી દેવું સિંહે જયરાજસિંહ પરમારના ઘરની મુલાકાત લીધી હતી. ત્યારબાદથી તેઓ તેવો ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
આ સિવાય એવી માહિતી પણ સામે આવી છે કે જયરાજસમિંહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળ્યા હતા. જેમા ગત સપ્તાહે તેઓ સામાજિક કાર્યક્રમમાં મુખ્યમંત્રીને મળ્યા હોવાનું સામે આવ્યું છે.જેથી ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પહેલા આ મુદ્દે જયરાજસિંહ પરમાર દ્વારા ટ્વીટ કરીને એવું કહેવામાં આવ્યું કે, શરૂઆત બહુચરાજીથી. તેમની આ ટ્વીટ બાદ તેઓ પોતે પણ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. બીજી તરફ હોદ્દેદારો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે પક્ષમાં તેમની અવગણના થાય છે.