ગાંધીનગરઃ ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 117 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1820 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 22 લોકો વેન્ટીલેટર પર છે. 1798 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1209878 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,930 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 2 લોકોના મોત થયા છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 58, વડોદરા કોર્પોરેશનમાં 10, વડોદરા 8, સુરત 7, ગાંધીનગર કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 4, અમદાવાદ 3, આણંદ 3 કેસ નોંધાયા છે.
આજે 344 દર્દીઓ રિકવર થયા
બીજી તરફ આજે 344 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.96 ટકાએ પહોંચ્યો છે. આજે 31021 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 2 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 કોરોના દર્દીનું મોત થયું હતું.
રાજ્ય સરકારે લોકોને મોટી રાહત આપી
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા ઘણા સમયથી સતત ઘટાડો થઈ રહ્યો છે. જેને લઈ રાજ્ય સરકારે લોકોને મોટી રાહત આપી છે. કોરોના સંક્રમણ નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. ગુજરાત સરકારે મોટી લોકોને મોટી રાહત આપી છે.કોરોનાને લઈને મુકાયેલા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. લગ્ન, સામાજીક, ધાર્મિક અને રાજકીય સમારંભમાં ભેગા થવા પર કોઈ જ મર્યાદા રાખવામાં આવી નથી.નવુ જાહેરનામુ 31 માર્ચ સુધી અમલી રહેશે.
રાજ્યમાં ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. આ ઉપરાંત બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. 2 માર્ચ-2022 થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી.
ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા. 31 માર્ચ 2022 સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય રાજ્ય મંત્રી મતી નિમીષાબહેન સહિત મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ નિયંત્રણો અને છૂટછાટ અંગે ગૃહ વિભાગનું તેમજ સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.