ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 44  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 36 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,239 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 4,00,273 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  અમદાવાદ કોર્પોરેશનમાં 12,  ભાવનગર કોર્પોરેશનમાં 11, સુરત કોર્પોરેશન 5, વડોદરા કોર્પોરેશન 5, દાહોદ 3,  નવસારી 2,  રાજકોટ 2,  વલસાડ 2,  કચ્છ1, રાજકોટ  કોર્પોરેશનમાં 1  કોરોનાનો કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 326   કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 320 નાગરિકો સ્ટેબલ છે. 8,17,239  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10094 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓમિક્રોનની એન્ટ્રીને લઈ બોલાવી બેઠક, શું આપ્યો આદેશ?


ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ઓમિક્રોન વેરિયન્ટને લઈ યોજાયેલી બેઠક પૂર્ણ થઈ છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આરોગ્ય વિભાગને સૂચનો આપ્યા છે. રાજ્યમાં ટેસ્ટિંગ સઘન બનાવવા સૂચના આપી છે. સંક્રમિત વ્યક્તિના પરિવાર અને તે વિસ્તારમાં સઘન ચેકીંગની સૂચના આપી છે. 



ગુજરાતમાં જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી  હર્ષ સંઘવી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ ભારત સરકાર દ્વારા ઓમીક્રોન વેરિએન્ટ સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન્સનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાની સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.


આ સૂચનાઓના પાલનમાં સતર્કતા રાખીને કોઈ બાંધછોડ  નહિ કરવા તાકીદ કરી હતી.   ગુજરાતમાં ૩-T: ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસમાં ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ નવા વેરિઅંટ સંદર્ભમાં પણ સૌ નાગરિકોને સતર્કતા અને સાવચેતી રાખવાનો ખાસ આગ્રહ કરતા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશનનો ઉપયોગ પૂર્ણપણે કરવાની અપીલ પણ કરી  છે.