ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 654 કેસ નોંધાયા છે. બીજી તરફ 63 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,652 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.43 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 1,88,125 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 311, સુરત કોર્પોરેશનમાં 97, વડોદરા કોર્પોરેશનમાં 38 , આણંદમાં 21, રાજકોટ કોર્પોરેશનમાં 21, સુરતમાં 19, ખેડામાં 13, જામનગર કોર્પોરેશનમાં 12, કચ્છમાં 12, રાજકોટમાં 11, વલસાડમાં 11, નવસારીમાં 10, ભરૂચમાં નવ, ગાંધીનગરમાં નવ, ગાંધીનગર કોર્પોરેશનમાં નવ, અમદાવાદમાં છ, ભાવનગર કોર્પોરેશનમાં છ, જામનગરમાં પાંચ, મહીસાગરમાં પાંચ, મહેસાણામાં પાંચ , અમરેલીમાં ચાર, મોરબીમાં ચાર, તાપીમાં ચાર, પોરબંદરમાં ત્રણ, સાબરકાંઠામાં ત્રણ, વડોદરામાં ત્રણ, બનાસકાંઠામાં એકસ જૂનાગઢ કોર્પોરેશનમાં એક, પંચમહાલમાં એક નવો કેસ નોંધાયો છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 2962 કેસ છે. જે પૈકી 17 વેન્ટીલેટર પર છે, જ્યારે 2945 નાગરિકો સ્ટેબલ છે. 8,18,652 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10118 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 692 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6959 લોકોને પ્રથમ અને 41,536 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 24,561 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 1,14,374 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,88,125 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,94,35,345 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. પંચમહાલ, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, નર્મદા, પાટણ અને સુરેન્દ્રનગરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.