ભૂજઃ ભૂજમાં અદાણી સંચાલિક જી કે જનરલ હોસ્પિટલની વધુ એક બેદરકારીની ઘટના નોંધાઇ છે. હોસ્પિટલે જીવિત બાળકીના સ્થાને મૃત બાળક આપી દીધું હતું. મળતી જાણકારી અનુસાર નેત્રા ગામમાં રહેતી એક મહિલાને જી કે જનરલ હોસ્પિટલમાં પ્રસુતિ માટે લાવવામાં આવી હતી. જ્યાં મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકીને શિશુ વિભાગમાં પેટીમાં રાખવામાં આવી હતી. જો કે ચોથા દિવસે હોસ્પિટલના સ્ટાફે બાળકીના પિતાને તેમની બાળકીનું મૃત્યુ થયું હોવાની જાણકારી આપી હતી. ત્યાર બાદ પરિવારજનોએ બાળકનો મૃતદેહ સ્વીકારીને દફનવિધિ માટે લઈ જતા હતા તે સમયે બાળકીના બદલે બાળક હોવાનું ધ્યાનમાં આવતા નારાજ પરિવારજનોએ જિલ્લા કલેકટર અને ડીડીઓને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આપવીતિ જણાવી હતી. આ ઘટના ત્રણ દિવસ અગાઉની છે.


જોકે, હોસ્પિટલમાં તપાસ કરતા ફરિયાદી પરિવારની બાળકી જીવિત હોવાનું સામે આવ્યું હતું. જો કે અધિકારીઓના કહેવાથી મૃત બાળકને હોસ્પિટલમાં સુપર્ત કરાયું હતું. મૃતદેહને દફન વિધિ માટે લઈ જતા સમયે રસ્તામાં બાળકને સરખું કરતા ખ્યાલ આવ્યો હતો કે બાળકીના બદલે બાળક છે. બાદમા ફરિયાદી પરિવારે તપાસ કરતા જાણવા મળ્યું કે તેમની બાળકી સહી સલામત અને જીવિત છે.હોસ્પિટલ સ્ટાફની બેદરકારીને લઈને એક પરિવારને દોડતા થઈ જવું પડ્યું હતું. પરિજનો કલેક્ટર કચેરીએ અને ત્યાંથી જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને આપવીતી જણાવી હતી.

ગેઇમ્સના ડાયરેક્ટર બાલાજી પિલ્લઈએ જણાવ્યુ હતું કે જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં મૃત બાળક બદલાઈ જવાની ઘટના દુ;ખદ છે અને એ અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેમજ જે કોઈપણ જવાબદાર હશે તેની સામે ન માત્ર દંડનાત્મક પગલાં ભરવામાં આવશે પરંતુ ફરજ મોકૂફી પણ કરાશે. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, આ ઘટના માનવીય ધોરણે અત્યંત માનસિક આઘાત સમાન છે. જેમાં વાલીઓની લાગણીઓ જોડાયેલી છે. તેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે કડક સૂચના દરેક ડિપાર્ટમેંટને આપી દેવામાં આવી છે. અને આ કિસ્સામાં ઊંડાણપૂર્વક ખાતાકીય તપાસ કરવામાં આવશે. ડો. બાલાજી પિલ્લાઈએ કહ્યું કે, હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી અને સલામતી માટે તબક્કાવાર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે હોસ્પિટલમાં રાષ્ટ્રીય એક્રીડિશન બોર્ડ ઓફ હોસ્પિટલ(NABH)ના નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. અને તે અંગેની કાર્યવાહીની ઝડપમાં ગતિ લાવવામાં આવી છે.