ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. પહેલી લહેર કરતાં પણ વધારે કેસ અત્યારે સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાતના 20 જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ સહિતના નિર્ણય લેવામાં આવ્યા છે. એવામાં હવે ચૈત્રી નવરાત્રી આવી રહી છે ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાવાગઢ મંદિર બંધ કરવાનો નિર્ણય
ચૈત્રી નવરાત્રીમાં માતાજીના મંદિરોમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. પાવાગઢમાં પણ લાખો શ્રદ્ધાળુઓ નવરાત્રીમાં માતાજી સામે શીશ નમાવવા આવે છે ત્યારે કોરોના વાયરસના વધતાં કેસના કારણે મંદિરને દર્શનાર્થીઓ માટે મંદિર 12 એપ્રિલથી 28 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢનું મહાકાળી માતાજી મંદિર નવરાત્રીમાં બંધ કરવા માટે ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસના કારણે ભક્તો ઓનલાઈન દર્શનનો લાભ લઈ શકશે.
13 એપ્રિલથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં અંબાજી મંદિરમાં પણ અખંડ ધૂન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા અખંડ ધૂન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે નવરાત્રીમાં મંદિર સરકારની ગાઈડલાઇન અનુસાર ખુલ્લુ રહેશે અને શ્રદ્ધાળુઓએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.
નોંધનીય છે કે, રાજ્યમાં ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડ બ્રેક ચાર હજાર 21 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો કોરોનાની સારવાર દરમિયાન 35 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા આઠ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 62 ટકાના વધારા સાથે 20 હજાર 473 પર પહોંચી ગયો છે. જેમાંથી 182 લોકો વેન્ટિલેટર પર અને 20291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.44 ટકા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 167 નવા કેસ નોંધાય રહ્યાં છે. 35 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક પણ ચાર હજાર 655 પર પહોંચી ગયો છે. ગઈકાલે 2197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,07346 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 8, રાજકોટમાં-2, રાજકોટ કોર્પોરેશન-2, વડોદરા કોર્પોરેશ-2, અમદાવાદ, અમેરલી, ભરૂચ,ભાવનગર, જામનગર, મહેસાણા અને વડોદરામાં 1-1 દર્દીના મોત સાથે કુલ 35 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક વધીને 4655 પર પહોંચી ગયો છે.