ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પોલીસકર્મીઓના ટિકટોક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેની રાજ્યના DGPએ ગંભીર નોંધ લીધી છે. ગુજરાત પોલીસ વડાએ ગુજરાતના તમામ પોલીસ કર્માચરીઓ જોગ પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં ગુજરાત રાજ્ય સેવા વર્તણુક અને પોલીસ એક્ટને ધ્યાનમાં રાખીને જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પોલીસ કર્મીઓને સૂચના આપવામાં આવી છે.


શિવાનંદ ઝાએ બહાર પાડેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસ વિભાગ લોકોની ટીકાનો ભોગ બને તે પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ સોશિયલ મીડિયા પર કરવી નહી. સોશિયલ મીડિયા પર કોઇ પોલીસ કર્મચારીનુ અણછાજતુ વર્તન ધ્યાને આવશે તો તેની સામે તપાસ કરવામાં આવશે.

રાજ્ય પોલીસ વડાના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ કર્મચારી ફરજ ઉપર ન હોય અથવા યુનિફોર્મમાં ન હોય તો પણ પોલીસ બેડાનો જ ભાગ હોવાની બાબત જણાવતાં સોશિયલ મિડિયાનો ઉપયોગ વિવેકાનુસાર અને નિયમોની મર્યાદામાં રહીને જ કરવા ટકોર કરવામાં આવી છે.