ગાંધીનગરઃ દિલ્લીના શિક્ષણ મંત્રી અને ગુજરાત આપ પ્રભારી મનિષ સિસોદિયા ગઈ કાલે ગુજરાતની સ્કૂલોની મુલાકાતે આવ્યા હતા. ત્યારે આજે મનિષ સિસોદિયા વિશે ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને પૂછતાં તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું અને થેંક્યુ કહીને રવાના થઈ ગયા હતા. મનિષ સિસોદિયાના ગુજરાત પ્રવાસ અંગે વાઘાણીએ કહ્યું કે, સ્કુલનો જન્મદિવસ છે તેવી વાત કરીએ.
આજે આઝાદીના અમૃત મહોત્સવને લઈને ગાંધીનગરના સરઢવમાં સીએમનો પ્રભાત ફેરીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સરઢવ માધ્યમિક શાળાને 80 વર્ષ પૂર્ણ થતાં એનો જન્મદિન ઉજવાશે. આઝાદીમાં યોગદાન આપનારા વીરોના સપનાનાં ગામડાની ઉજવણી કરવામાં આવશે. ગામમાં પ્રતિકરૂપે વૃક્ષારોપણ અને પશુ દવાખાના ખાતે નેશનલ એનિમલ કંટ્રોલ ડીસીઝ અન્વયે પશુ રસીકરણનો પણ પ્રારંભ કરાવશે. સીએમ સાથે જીતુ વાઘાણી પણ સરઢવ ગામે હાજર રહેવાના છે.
શિક્ષણનીતિ મુદ્દે હવે રાજનીતિ બરોબરની ગરમાઈ છે. એક તરફ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનિષ સિસોદીયા ગુજરાતની શાળાઓની મુલાકાત કરી રહ્યા છે. બીજી તરફ દિલ્હી ભાજપે પણ હવે આ વિવાદમાં ઝંપલાવ્યું છે. દિલ્હીમાં ભાજપ કાર્યકરોએ પણ સરકારી શાળાની મુલાકાત લીધી હતી. દિલ્હી ભાજપના કાર્યકર પરવેશ સાહિબ સિંઘે એક સ્કૂલની મુલાકાત કરી હતી. જેનો વીડિયો ટ્વીટર પર પોસ્ટ કરી લખ્યું કે વર્ષ 1980માં આ સ્કૂલ બની છે. આજે પણ આ સ્કૂલ શેડમાં જ ચાલે છે. ટ્વીટમાં એવો પણ ઉલ્લેખ કર્યો કે સરકારે શાળાના બિલ્ડીંગને ભયજનક ઈમારત તરીકે જાહેર કરી છે. પરંતું હજુ સુધી બાળકો અભ્યાસ કરે છે તો દિલ્લી આપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે વર્લ્ડ ક્લાસ સ્કૂલ જેવી કોઈ સ્થિતિ જ નથી.
મનીષ સિસોદિયાએ ભાવનગરમાં સરકારી શાળાની મુલાકાત લીધી, જાણો મુલાકાત બાદ શાળા અંગે શું નિવેદન આપ્યું
ગુજરાતના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના નિવેદનને લઈને ગુજરાત નહિ પણ દેશમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે જેને લઇને દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન તેમજ શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા આજે 11 એપ્રિલે ભાવનગરની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ખાસ રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓના શિક્ષણ અને બાંધકામ અંગેની સમીક્ષા કરી હતી જે દરમિયાન તેમણે 27 વર્ષથી શાસન કરતાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં શિક્ષણ અંગે ચર્ચાઓ થવી જોઈએ.
એકાદ-બે LED લગાવી દેવાથી સ્માર્ટ શાળા બની જતી નથી : સીસોદીયા
આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા ભાવનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના મતવિસ્તારમાં આવેલી સ્કૂલો અંગે તેઓએ માહિતી મેળવી હતી સાથે જ તેમણે શહેરની હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર 62 મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા અને સિદસર ખાતે આવેલી કેન્દ્રવર્તી શાળાની મુલાકાત લીધી હતી.
સરકારી શાળાની મુલાકાત લઈ મનીષ સિસોદિયાએ કહ્યું કે હું આવવાનો હતો એટલે સાફ-સફાઈ તો કરી છે પણ એટલી થઈ નથી, હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર 62ની મુલાકાત લઇ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માત્ર એકાદ-બે LED લગાવી દેવાથી સ્માર્ટ શાળા બની જતી નથી. શાળામાં ગાબડાં પડી ગયાં છે, એ જર્જરિત છે. બાળકો ભયના ઓથાર નીચે જીવે છે, જેથી એને રિપેરિંગ કરાવવી જોઈએ અહીં આવીને મેં જોયું કે શિક્ષણપ્રધાનના મત વિસ્તારમાં જ શાળાઓની હાલત કેટલી ખરાબ છે.