ગાંધીનગરઃ ગુજરાતમાં વિદ્યા સહાયકોની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિદ્યા સહાયકોની 3300 જેટલી જગ્યા પર ટૂંક સમયમાં ભરતી કરાશે. આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ધોરણ 1થી 5માં 1300 વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા શરૂ થશે. ધોરણ 6થી 8માં 2 હજાર વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા શરૂ થશે. વિદ્યા સહાયકોની ભરતીનું આગામી દિવસોમાં આયોજન કરાશે, તેમ તેમણે ઉમેર્યું હતું. 


આ સિવાય તેમણે ડિપ્લોમા કોમ્યુનિકેસનના નવા અભ્યાસક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, વડનગર, અમરેલી, મોરબીમાં ડિપ્લોમામાં કોમ્યુનિકેશનનો કોર્ષ શરૂ કરાશે. કન્યા માટેની પોલિટેકનીક કોલેજોમાં પણ ડિપ્લોમામાં અભ્યાસક્રમ શરૂ કરાશે. પ્રધાનમંત્રી ડિજિટલ ભારતના સપનાને સાકાર કરાશે.