Gujarat Famous Ambaji Mandir: તાજેતરમાં જ ગુજરાતના સુપ્રિસદ્ધ મંદિર અંબાજીમાં સૌથી મોટો મેળો ભાદરવી પૂનમનો મહામેળો સંપન્ન થયો છે. લાખોની સંખ્યામાં ભક્તોએ માં અંબાના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી છે. આજે અમે અહીં તમને આ ભવ્ય અને દિવ્ય અંબાજી મંદિરનો ઇતિહાસ અને દંતકથા વિશે જાણકારી આપી રહ્યાં છીએ. જાણો...


ખરેખરમાં, બનાસકાંઠા જિલ્લામાં આવેલું આ શક્તિસ્વરૂપા અંબાજી મંદિર દેશના ખૂબ જ જૂના 51 શક્તિપીઠોમાંનું એક છે. ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહુર એવુ શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠામાં આવેલુ છે. જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્તો માના દર્શાનાર્થે આવે છે. ગુજરાત સરકાર દ્વારા મંદિરનો જીર્ણોધ્ધાર અને શિખરની કામગીરી પૂર્ણ કરી સુવર્ણ કળશો પ્રતિષ્ઠિત કરેલો છે. 358 સુવર્ણ કળશ ધરાવતું ભારતભરમાં એક માત્ર શક્તિપીઠ છે. આ પવિત્ર યાત્રાધામ અંબાજી દરિયાઈ સપાટીથી 1600 ફુટની ઉંચાઈ પર આવેલું છે.


અંબાજી મંદિરનું જીર્ણોદ્ધારનું કામ 1975માં શરૂ થયું હતું. જે હજી સુધી ચાલુ છે. સફેદ સંગેરમરમરથી બનેલું આ ભવ્ય મંદિર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિરનું શિખર 103 ફુટ ઊંચું અને તેના પર 358 સુવર્ણ કળશ સ્થાતપિત કરાયેલા છે. મંદિરથી લગભગ 3 કિમીના અંતરે ગબ્બર નામનો પર્વત પણ છે, જ્યાં દેવીમાનું એક પ્રાચીન મંદિર આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ પત્થર પર માતાના પદચિહ્ન તેમજ રથચિહ્ન બનેલા છે. અહી દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે. અંબાજીમાં પરંપરાગત ભાતીગળ ભાદરવી પૂનમના મેળાનો ઇતિહાસ 300 વર્ષ જૂનો છે. આ મેળા સાથે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. દર વર્ષે ભાદરવી પૂનમના રોજ યોજાતો આ મેળો સાત દિવસ ચાલે છે.




ભાગવત પુરાણ મુજબ, પ્રજાપતિ દક્ષ રાજાએ બૃહસ્પતિષ્ક નામના યજ્ઞનું આયોજન કર્યુ હતું. દક્ષે બધા દેવોને આમંત્રણ આપ્યુ હતું. પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને આમંત્રણ ન આપ્યું. પિતાને ત્યાં યજ્ઞ છે એવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં સતિ પાર્વતી પિતાને ઘરે પહોંચી ગયા. એ વખતે દક્ષે શંકર વિશે અપમાનજનક શબ્દો કહેતાં પાર્વતીએ યજ્ઞકુંડમાં પડી જીવ દઈ દીધો. એ પછી ભગવાન શિવે પાર્વતીના દેહને ખભા પર ઉપાડીને તાંડવ નૃત્ય શરુ કર્યું હતું. શિવના ક્રોધથી સમગ્ર સૃષ્ટિ ભયભીત થઈ ગઈ ત્યારે પાર્વતીમાં રહેલી શિવની આસક્તિ નાબુદ કરવા ભગવાન વિષ્ણુએ ચક્ર વડે સતીના દેહના ટૂકડા કરવા માંડ્યા.એ વખતે જ્યાં જ્યાં સતીના દેહના ટૂકડા પડ્યા એ દરેક સ્થાનો શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ભાગવત ઉપરાંત સ્કંદ પુરાણ અનુસાર, સતી પાર્વતીના હૃદયનો હિસ્સો જ્યાં પડ્યો એ સ્થાન આરાસુરી શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અને આ આરાસુરી શક્તિપીઠ છે  અંબાજી.


ભાગવતમાં ઉલ્લેખ છે કે, ભગવાન શ્રીકૃષ્ણ માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમા મા અંબાના સ્થાને થઈ હતી. એ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાન કે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે. “અરાસુરી અંબાજી” ના પવિત્ર મંદિરમાં દેવીની કોઈ છબી અથવા મૂર્તિ નથી. પરતું અહી પવિત્ર “શ્રી વિસા યંત્ર” ને પૂજવામાં આવે છે. ખુલ્લી આંખ સાથે યંત્રને કોઈ જોઈ શકતું નથી. યંત્રના ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે. અંબાજી માતાનું મૂળ સીટ નગરમાં ગબ્બર પર્વતમાળા પર આવેલું છે. મંદિરમાં માતાજીનાં દર્શન માટે સુવર્ણજડિત વીસોયંત્ર છે. જે શક્તિની આરાધના માટે મહત્વનું છે. મહાશક્તિના દરરોજ અલગ અલગ વાહનથી સવારી સાથે દર્શન કરાવાય છે.