અમદાવાદઃ ગુજરાત પર ત્રાટકનારું 'વાયુ' વાવાઝોડું બુધવારે મધરાત્રે ઓમાન તરફ ફંટાયુ હતું પણ ગુજરાત પર હજુ 24 કલાક માટે ખતરો છે. હવામાન વિભાગની ચેતવણી પ્રમાણે ‘વાયુ’ વાવાઝોડું શુક્રવારે સવારે 9 વાગ્યા સુધી આ વાવાઝોડું દ્વારકાથી દૂર ઓમાન તરફ ફંટાઈ જશે પણ 24 કલાક ગુજરાત પર ખતરો છે જ.


હવામાન વિભાગનાં અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની દિશા બદલાઈ રહી હોવા છતાં જોખમ હજુ પણ યથાવત છે, કારણ કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે અને પવન પણ ફૂંકાશે. આ વરસાદ તથા તોફાની પવનના કારણે મોટા પાયે નુકસાન થઈ શકે છે.

તેમણે જણાવ્યું કે, 'વાયુ' વાવાઝોડાના કારણે દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારોમાં બપોરે 135થી 160 કિમીની ઝડપે પવનો ફૂંકાશે. વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાતમાં પણ હળવાં વરસાદી ઝાપટાંની શક્યતા છે.