China Diseases: ચીનમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે અને ભયંકર બિમારી ફેલાઇ છે, આ બિમારી દેશમાં નાના બાળકોને ઝડપથી લાગી રહી છે, અને બાળકો આ બિમારીના શિકાર બની રહ્યાં છે અને કેટલાય બાળકો મોતને પણ ભેટી રહ્યાં છે. હવે આ મામલે ભારત સરકારે રાજ્યોને એડવાઇઝરી જાહેર કરીને એલર્ટ રહેવા આદેશ આપ્યો હતો, હવે આ કડીમાં ગુજરાત સરકાર એકદમ એલર્ટ મૉડમાં આવી ગઇ છે. ગુજરાત સરકારે રાજ્યમાં જુદાજુદા શહેરોમાં ખાસ વ્યવસ્થા ઉભી કરી છે, જાણો નવી વ્યવસ્થાના અપડેટ વિશે....


ચીનમાં વકરેલા રોગચાળાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારના પરિપત્ર બાદ સરકારી હૉસ્પિટલો સતર્ક થઇ ગઇ છે. મહાનગરોથી લઈને નાના શહેરોમાં સરકારી હોસ્પિટલમાં ચકાસણી અને સમિક્ષા કરવામાં આવી રહી છે. ચીનમાં વકરેલો રોગચાળો સૌથી વધારે બાળકોમાં પ્રસર્યો હોવાથી ખાસ બાળકો માટે તકેદારી રાખવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટસમાં બાળકો માટેના 300 બેડ આરક્ષિત કરાયા છે, તો વળી, 1200 બેડની હૉસ્પિટલમાં તમામ બેડ ઓક્સિજનની સજ્જ કરાયા છે. 


સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં અલગ અલગ ઓક્સિજનના ત્રણ પ્લાન્ટની ચકાસણી કરાઈ છે, વડોદરામાં ગોત્રી અને એસએસજી હૉસ્પિટલમાં ઓક્સિજન સાથેના બેડ તૈયાર કરાયો છે, જ્યારે રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં બાળકો માટે 200 બેડ તૈયાર કરાયા છે, સાથે સાથે આ ઑક્સિજન પ્લાન્ટની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. તબીબોએ વાલીઓને સલાહ આપી કે, શરદી, ઉધરસ અને તાવના કિસ્સામાં જાતે દવાના કરવાના બદલે તબીબોની સલાહ લેવી જરૂરી છે. 


ચીનમાં ફેલાઇ રહેલી નવી બિમારીથી ભારત એલર્ટ


ચીનમાં ન્યૂમૉનિયાના વધતા જતા કેસોએ ભારતમાં પણ ચિંતા વધારી દીધી છે, ભારતમાં પણ સરકારી તંત્ર હવે હરકતમા આવ્યુ છે. આ બિમારીને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર આરોગ્ય કેન્દ્રો અને હૉસ્પિટલોની તૈયારીના પગલાંની તાત્કાલિક સમીક્ષા કરવાની સલાહ આપી છે. આરોગ્ય મંત્રાલય પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે, જે દર્શાવે છે કે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 'COVID-19ના સંદર્ભમાં સંશોધિત સર્વેલન્સ સ્ટ્રેટેજી માટે ઓપરેશનલ ગાઈડલાઈન્સ' લાગુ કરવા જણાવ્યું છે. આવી સ્થિતિમાં જિલ્લા અને રાજ્યના અધિકારીઓ ILI/SARI (ઈન્ફલ્યૂએન્ઝા જેવી બીમારી/ગંભીર તીવ્ર શ્વસન ચેપ)ના કેસ પર નજર રાખશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય કારણોસર ખાસ કરીને ઈન્ફલ્યૂએન્ઝા, માયકૉપ્લાઝમા ન્યૂમૉનિયા, SARS-CoV-2 જેવા કારણોને લીધે શ્વસન સંબંધી રોગોમાં વધારો થઈ રહ્યો છે.


કેટલાક મીડિયા અહેવાલોમાં ઉત્તર ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી રોગોના કિસ્સા નોંધાયા છે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઉપલબ્ધ માહિતી અનુસાર છેલ્લા કેટલાક સપ્તાહમાં ચીનમાં શ્વાસ સંબંધી રોગોના કેસમાં વધારો થયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'બાળકોમાં શ્વસન સંબંધી રોગોના સામાન્ય કારણોની ઓળખ કરવામાં આવી છે અને કોઈ અસામાન્ય પેથૉજેન્સ અથવા કોઈપણ અણધારી ક્લિનિકલ પેટર્નની ઓળખ કરવામાં આવી નથી.' દરમિયાન ચીનના નેશનલ હેલ્થ કમિશન (NNC) એ મહિનાના મધ્યમાં એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને શ્વસન સંબંધી રોગોમાં વધારો ખાસ કરીને ઈન્ફલ્યૂએન્ઝા, માયકૉપ્લાઝ્મા ન્યૂમૉનિયા, નાના બાળકોને અસર કરતા સામાન્ય બેક્ટેરિયલ ચેપ અને શ્વસન સિંસિટીયલ વાયરસ (RSV)ની માહિતી આપી હતી. આ અઠવાડિયે રાજ્ય સંચાલિત ચાઇના નેશનલ રેડિયોએ જણાવ્યું હતું કે બેઇજિંગ ચિલ્ડ્રન્સ હૉસ્પિટલમાં ડેઇલી એવરેજ 7,000 દર્દીઓ આવી રહ્યા છે, જે હૉસ્પિટલની ક્ષમતા કરતા વધારે છે.