અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે રાજ્યમાં કોરોનાની સારવારની સગવડો પણ રાજ્ય સરકારે વધારવી પડી છે અને ખાનગી ડોક્ટરોની સેવા લેવાની પણ ફરજ પડી છે. રાજ્ય સરકાર કોરોનાની સારવાર માટે હાલ વિવિધ સરકારી હોસ્પિટલોમાં ખાનગી તબીબોની સેવા પણ લઈ રહી છે.


આ ડોક્ટરોને આ સેવા માટે રોજના 5 હજાર રૂપિયા માનદ વેતન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ ડોક્ટરોને સતત સાત દિવસ માટે સેવામાં નિયુક્ત કરવાનું પણ રાજ્ય સરકારે નક્કી કર્યું છે. આ ઉપરાંત ખાનગી ડોક્ટર કોરોનાના દર્દીની સેવા બજાવવાને કારણે કોરોનાથી સંક્રમિત થાય તો રાજ્ય સરકાર તેમને તમામ પ્રકારની દવા ઉપરાંત રેમડેસિવિર કે ટોસિલિઝુમેબ જેવી દવાઓ પણ વિનામૂલ્યે પૂરી પાડશે. રાજ્ય સરકાર તેમની સારવારનો તમામ ખર્ચ પણ ઉઠાવશે એવી સરકારે જાહેરાત કરી છે.

કોરોનાની સારવાર માટે સરકારી તબીબોનો સ્ટાફ ઓછો પડી રહ્યા છે ત્યારે ખાનગી ડોક્ટરો ની સેવા લેવાઇ રહી છે. આ ડોક્ટરો કોરોનાની લડતમાં મહત્વનું યોગદાન પણ આપી રહ્યા છે.