રાજ્યની શાળાઓમાં 3 મેથી 6 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરાયું છે.શિક્ષણ વિભાગે જાહેર કરેલા ઠરાવમાં કહેવાયું છે કે, શિક્ષણ વિભાગ 4 ફેબ્રુઆરી 2020 તથા 24 માર્ચ 2020ના ઠરાવથી તમામ શાળાઓમાં એપ્રિલ માસથી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ હાલની કોરોના મહામારીની સમસ્યાના કારણે નવું શૈક્ષણિક વર્ષ અગાઉ મુજબ અર્થાત ઉનાળું વેકેશન પૂર્ણ થયાથી શરૂ કરવાનું રહેશે.સાથે જ રાજ્યની સરકારી અને ખાનગી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી, અધિકારીઓ પૈકી જે કર્મચારી, અધિકારીઓને કોઈ કામગીરી સોંપવામાં આવેલી નથી તેમને શાળામાં આવવાનું રહેશે નહીં. પરંતુ જે સ્ટાફને કામગીરી સોંપવામાં આવેલી છે તેમને રાજ્ય સરકાર અથવા સ્થાનિક પ્રશાસને આપેલી તમામ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.


સાથે જ ખાનગી સ્કૂલોના શિક્ષણો તથા સ્ટાફને પણ સ્કૂલે જવાથી મુક્તિ આપવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્યમાં કોરોના મહામારી વકરતા રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે તથા ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોય એવી આ પ્રથમ ઘટના છે.


કોરોનાને પગલે સરકારે તમામ કચેરીઓ,સંસ્થાઓ અને કંપનીઓમાં ૫૦ ટકા સ્ટાફ રાખવાનો આદેશ કર્યો હતો અને ગઈકાલથી તો આંશિક લોકડાઉન જાહેર કરી દેવાતા શૈક્ષણિક સંસ્થાઓ પણ હવે બંધ કરવામા આવનાર છે ત્યારે સ્કૂલોમાં શિક્ષકોને જવાનું કે નહી અને કામગીરી વગર શિક્ષકોને ફરજીયાત સ્કૂલે જવુ પડતા સંક્રમણના ભયની ફરિયાદો ઉઠી હતી.જેને લઈને ઉનાળુ વેકેશન જાહેર કરવાની પણ માંગ ઉઠી હતી ત્યારે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે સ્કૂલો માટે ઉનાળુ વેકેશન જાહેર કરવામા આવ્યુ છે.


ઉપરાંત સરકારે ગત વર્ષે ૨૦૨૦માં ફેબ્રુઆરીમાં ઠરાવ કરીને સ્કૂલોમાં નવુ શૈક્ષણિક સત્ર સીબીએસઈની જેમ એપ્રિલથી શરૂ કરવાનુ જાહેર કર્યુ છે પંરતુ ગત વર્ષે કોરાનાને પગલે જુનથી જ સત્ર શરૃ કરવુ પડયુ હતુ ત્યારે આ વર્ષે પણ આ ઠરાવનો અમલ નહી થતા જુનથી જ સત્ર શરૂ થશે. ૭ જુનથી અથવા સરકાર જાહેર કરે ત્યારથી નવુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ શરૂ થશે. એકંદરે જુનમાં જ નવુ સત્ર ગણવાનું રહેશે.