ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય લઈને  રાજ્યના ત્રણ મોટાં શહેરોની છ ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કીમને મંજૂરી આપી છે.


રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતાં અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ અને બે ફાઇનલ ટીપી સ્કિમને મંજૂરી આપી છે. આ ઉપરાંત  સુરતની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ અને એક ફાઇનલ ટીપી સ્કિમ તથા વડોદરાની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને પણ મંજૂરી આપી છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરેલી ત્રણ ફાઇનલ ટીપી સ્કિમ માં સુરતની ટીપી સ્કિમ નં. 26 (સિંગણાપોર) તથા  અમદાવાદની ટીપી સ્કિમ નં. 4-એ(સાણંદ) અને સ્કિમ નં. 94 (હાથીજણ-રોપડા)નો સમાવેશ થાય છે.


ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરેલી બે પ્રિલિમિનરી ટીપી સ્કિમમાં અમદાવાદમાં ઔડા અંતર્ગત ટીપી સ્કિમ નં. 429 (ગોધાવી-મણીપુર) અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી સ્કીમ નં. 71(વડોદ) નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલી ડ્રાફ્ટ ટીપી સ્કિમમાં વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ટીપી સ્કિમ નં. 43 (ઉંડેરા-અંકોડીયા)નો સમાવેશ થાય છે.


વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. 43 મંજૂર થવાથી 22.18 હેક્ટર જમીન, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની પ્રિલિમિનરી ટીપી સ્કીમ નં. 429 મંજૂર થવાથી 55.47 હેક્ટર જમીન અને સુરત મ.ન.પા.ની પ્રિલિમિનરી ટીપી સ્કિમ નં. 71 મંજૂર થવાથી 15.83 હેક્ટર જમીન શહેરી વિકાસ મંત્રાલયને પ્રાપ્ત થશે.


મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કિમોની મંજૂરી આપતા સરકારને મળેલી  જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોનાં રહેઠાણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે. આ ઉપરાંત  આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કિમો મંજૂર કરી ગુજરાતના શહેરોનો વિકાસ વેગવંતો રાખવાનો રાજ્ય સરકારનો સંકલ્પ સાકાર કર્યો છે એવો ગુજરાત સરકારનો દાવો છે. 


આ પણ વાંચોઃ Sovereign Gold Bond: ખુશખબર ! મોદી સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાનો મોકો, જાણો વિગત


Assembly Election 2022 Date: 80 વર્ષથી મોટા, કોરોના સંક્રમિતો પોસ્ટલ બેલેટથી આપી શકશે મત, જાણો 5 રાજ્યોની ચૂંટણીની મહત્વની વિગતો