ગાંધીનગરઃ થોડા દિવસો પહેલા લેવામાં આવેલી ઓફિસ આસિસ્ટન્ટ, કલાર્કની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું, રાજય સરકારે આની ગંભીરતાથી નોંધ લીધી હતી. SITએ સીએમને રિપોર્ટ સોંપ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપ સિંહ જાડેજા સાથે મુખ્યમંત્રીની બેઠક યોજાઈ હતી. જેમાં રિપોર્ટ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. બેઠકમાં સૌનો એક જ સૂર હતો કે ગુજરાતના યુવાઓના હિત માટે નિર્ણય લેવાવો જોઈએ. જે બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં 10 મોબાઇલની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા. જેમાં કેટલીક જગ્યાએ મોબાઇલ ઉપર પરીક્ષના જવાબ લખતા દ્રશ્યો જોવા મળ્યા હતા, અમુક જગ્યાએ ઉમેદવારો એકબીજાને પૂછીને જવાબ લખતા જોવા મળ્યા હતા. ક્યાંય પણ નાની ત્રુટી રહી ગઈ હોય તો ચલાવી લેવા માંગતા નહોતા, તેથી ગુજરાતના યુવાનોના હિત માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.

પેપર કેવી રીતે લીક થયું, કોણ કોણ સંડોવાલું છે તેની પોલીસ ફરિયાદ દાખલ થશે. ઉપરાંત આરોપી પરીક્ષાર્થી ત્રણ વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે. મુખ્યમંત્રીએ તટસ્થ તપાસ કરવાની પરીક્ષાર્થીઓને બાંહેધરી આપી હતી.

આ અંતર્ગત એસ.આઈ.ટી.ના ચેરમેન તરીકે અગ્ર સચિવ કમલ દયાણી અને સભ્યો તરીકે રેન્જ આઈ જી મયંકસિંહ ચાવડા, આઈબીના વડા મનોજ શશીધર અને પ્રોટોકોલ વિભાગના સચિવ જ્વલંત ત્રિવેદીનો સમાવેશ કરાયો હતો. એસ.આઈ.ટી.ની રચના બાદ પ્રથમ બેઠકમાં ગૌણ સેવાની પરીક્ષા રદ કરવાની માંગ કરવા સાથે આંદોલન કરી રહેલા યુવરાજસિંહએ સીસીટીવી ફૂટેજ, મોબાઈલ રેકોર્ડિંગ, અને પેપર લીક અંગેના પુરાવા રજૂ કર્યા હતા. જેની તપાસ એફ.એસ.એલ.ને એસ.આઈ.ટી. દ્વારા સોંપવામાં આવી હતી.

બિનસચિવાલય ક્લાર્કની ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા 17 નવેમ્બરે યોજાયેલી ભરતી પરીક્ષામાં ગુજરાતના ત્રણ હજારથી વધુ કેન્દ્રો પર સાત લાખ જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્રીજી ડિસેમ્બરે આ પરીક્ષામાં ચોરી થઇ હોવાના પુરાવા સામે આવતાં ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને પરીક્ષા રદ્દ કરવાની માગ થઇ. તેની સામે ચોથી ડિસેમ્બરે સરકારે તપાસ માટે એસઆઇટીની રચના કરી તપાસ સોંપી હતી.


સુરતઃ ડમ્પરે મોપેડને મારી ટક્કર, બે પિતરાઈ ભાઈઓના મોત

ભારત સામે પ્રથમ વન ડે જીતવા છતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને થયો તોતિંગ દંડ, જાણો શું છે કારણ

 24 ડિસેમ્બર સુધી જેલમાં મોકલવામાં આવી બોલિવૂડની આ એક્ટ્રેસ, નેહરુ પર કરી હતી વિવાદિત ટિપ્પણી