ગાંધીનગર: કોરોના સંકટ વચ્ચે રાજ્યમાં બ્લેક ફંગશના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠક બાદ આ મ્યુકોર માઈકોસિસના રોગને મહામારી જાહેર કરવામાં આવી છે. 


એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે આ રોગને રાજ્યમાં મહામારી જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇસીએમ આર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડ લાઇન્સ નું પાલન કરવાનું રહેશે. આ રોગ ના શંકાસ્પદ તેમજ કન્ફર્મ કેસોની વિગતો ભારત સરકારને સમયાંતરે મોકલવાની રહેશે. 



ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કહેર વચ્ચે દેશમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર વધતા કેંદ્ર સરકાર ચિંતિત છે.  હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો તથા હેલ્થ સેન્ટર, મેડિકલ કોલેજોએ હેલ્થ મિનિસ્ટ્રી અને આઈસીએમઆર દ્વારા જારી મ્યુકોરમાઈકોસિસના નિદાન, તપાસ અને વ્યવસ્થાપન માટેની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં મ્યુકોરમાઈકોસિસ (બ્લેક ફંગસ)નો કેર વધતો જાય છે.


આ પહેલા રાજસ્થાન, હરિયાણા, તેલંગાણા અને તમિલનાડુ આ બ્લેક ફંગસને મહામારી જાહેર કરી ચૂક્યા છે. 


શું છે બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઈકોસિસ ?


બ્લેક ફંગસ એક દુર્લભ પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે.  બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે, જે ડાયાબિટીસથી પીડિત છે. અગાઉથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય રહેલા શરીરમાં વાતાવરણમાં હાજર રોગજનક વાયરસ, વેક્ટેરીયા અથવા અન્ય પેથોડન્સ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.  આ ફંગસના કારણે મસ્તિષ્ક, ફેફસા અને ચામડી પર પણ  અસર જોવા મળે છે. આ કારણે કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાકડાં પણ ઓગળી જાય છે. જો સમય રહેતા આનો ઇલાજ ના મળે તો દર્દીનુ મોત પણ થઇ શકે છે.