Gujarat homeless shelter: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યના શહેરી વિસ્તારોમાં રહેતા ઘરવિહોણા ગરીબોને આશ્રય અને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે એક સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે. રાજ્ય સરકારે આ માટે કુલ ૧૧૬ રેનબસેરા સ્થાપિત કર્યા છે, જે રાજ્યના ૩૮ શહેરોમાં કાર્યરત છે અને દરરોજ આશરે ૧૦,૦૦૦ ઘરવિહોણા લોકોને આશરો પૂરો પાડે છે.
રાજ્ય સરકારે આ રેનબસેરાઓના નિર્માણ અને સંચાલન માટે કુલ ₹૪૩૫.૬૮ કરોડ મંજૂર કર્યા છે, જેમાંથી ₹૨૧૯ કરોડ સંબંધિત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ફાળવી દેવામાં આવ્યા છે. આ રેનબસેરાઓમાં કુલ ૨૧,૪૨૬ લોકોના રહેવાની ક્ષમતા છે. મંજૂર થયેલા ૧૨૦ રેનબસેરામાંથી ૮૭ કાર્યરત થઈ ચૂક્યા છે, જ્યારે અન્ય બાંધકામના વિવિધ તબક્કામાં છે. આ ઉપરાંત, જ્યાં સુધી કાયમી રેનબસેરા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી DAY-NULM અંતર્ગત ૨૯ કામચલાઉ રેનબસેરા પણ કાર્યરત કરવામાં આવ્યા છે.
રાજ્યમાં DAY-NULM અંતર્ગત કાયમી રીતે સ્થપાયેલા ૮૭ રેનબસેરા તમામ પાયાની સુવિધાઓથી સજ્જ છે. અહીં રસોડા અને ડાઇનિંગની વ્યવસ્થા ઉપલબ્ધ છે, અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આશ્રિતોને એક સમયનું ભોજન પણ વિના મૂલ્યે આપવામાં આવે છે. આ પહેલ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સંયુક્ત રીતે ‘પંડિત દીનદયાલ અંત્યોદય યોજના–રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY – NULM)’ હેઠળ ચલાવવામાં આવી રહી છે, જેનું અમલીકરણ ગુજરાતમાં ‘ગુજરાત શહેરી આજીવીકા મિશન (GULM)’ દ્વારા કરવામાં આવે છે.
આ રેનબસેરાઓનો મુખ્ય ઉદ્દેશ શહેરી વિસ્તારના સૌથી ગરીબ ઘરવિહોણા લોકોને ૨૪x૭ આશ્રય અને અન્ય તમામ પાયાની આવશ્યક સેવાઓ પૂરી પાડવાનો છે. રાજ્યના કોઈપણ ઘરવિહોણી વ્યક્તિ પોતાના વિસ્તારના રેનબસેરામાં નોંધણી કરાવીને આશરો મેળવી શકે છે અને ત્યાં રહેવા માટે કોઈ સમય મર્યાદા નથી.
આ રેનબસેરાઓમાં આશરો લેનાર લોકોને ઘર જેવું વાતાવરણ મળે તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. અહીં હવા ઉજાસવાળા રૂમ, પીવાનું શુદ્ધ પાણી, સ્નાન અને શૌચાલયની સગવડ, લાઇટ વ્યવસ્થા, આગ સામે રક્ષણ, પ્રાથમિક સારવાર કિટ, ગાદલાં, ધાબળાં, ચાદરો અને તેમની નિયમિત સફાઈની વ્યવસ્થા, મચ્છર અને ઉધઈથી રક્ષણ, રસોઈ માટેની જગ્યા અને વાસણો, રાંધણ ગેસ જોડાણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, આશ્રિતોને સરકારી યોજનાઓના લાભો મળે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને બાળકો માટે નજીકની આંગણવાડીઓ સાથે જોડાણ કરવામાં આવે છે.
રાજ્યના ૩૮ શહેરોમાં કાર્યરત આ રેનબસેરામાં સૌથી વધુ ૩૨ અમદાવાદમાં છે. આ ઉપરાંત સુરતમાં ૭, ભાવનગર અને રાજકોટમાં ૬-૬, વડોદરામાં ૫, જૂનાગઢમાં ૪ અને જામનગર તથા પાલનપુરમાં ૨-૨ રેનબસેરા કાર્યરત છે. અન્ય શહેરોમાં પણ ૧-૧ રેનબસેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારની આ સંવેદનશીલ પહેલથી શહેરી વિસ્તારના અનેક ગરીબ અને ઘરવિહોણા લોકોને મોટો આધાર મળ્યો છે.