સીએમ રૂપાણીએ જ્યારથી નવા નિયમોની જાહેરાત કરી છે, તેના બીજા જ દિવસથી લોકોએ પીયુસી કઢાવવા માટે પણ લાઈનો લગાવી દીધી છે. ઘણા સેન્ટરો પર એવી પણ ફરિયાદ આવી કે પીયુસીના ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુરુવારે મોડી સાંજે PUC અને HSRPની મુદ્દતમાં વધારો કરવાની જાહેરાત કરી. જે મુજબ પીયુસી સર્ટીફિકેટ મેળવવા માટે 15 દિવસની મુદ્દત વધારતા વાહન ચાલકો 30 સપ્ટેમ્બર સુધી PUC મેળવી લેવાનું રહેશે. ત્યાર બાદ PUC નહીં હોય તો દંડ વસૂલવામાં આવશે.
બીજી તરફ આરટીઓમાં લોકોની વાહનોના દસ્તાવેજ લેવા, HSRP નખાવવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ પહેલા પણ સરકાર HSRP નંબરપ્લેટ માટે મુદ્દત વધારી ચૂકી છે. ફરી એક વખત 30 દિવસની મુદ્દત વધારી છેલ્લી તારીખ 16 ઓક્ટોબર 2019 જાહેર કરી છે. એટલે કે 16 ઓક્ટોબર બાદ જે વાહનમાં HSRP નંબરપ્લેટ નહીં હોય તો તેમને દંડ ફટકારવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક એક્ટમાં સુધારા વધારા કરીને આગામી 16મી સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા નિયમનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે.16 સપ્ટેમ્બરે નવો વિહિકલ એકટ ગુજરાતમાં અમલી બનશે અને નવા ટ્રાફિક એક્ટનો કડક અમલ કરવામાં આવશે. ત્યારે નવા ટ્રાફિક એક્ટને લઈને વાહન ચાલકો સચેત થયા છે. જરૂરી દસ્તાવેજો કઢાવવા માટે લોકોની લાઈનો લાગી હતી. PUC કઢાવવા વાહન ચાલકોની મોટી લાઈનો લાગી. જુના નિયમ મુજબ PUC વગર 100 રૂપિયા દંડ હતો. જ્યારે નવા નિયમ મુજબ PUC વગર પહેલી વારમાં 500 રૂપિયાનો દંડ છે.