અમદાવાદઃ નવરાત્રીને આડે હવે એક મહિનો રહ્યો છે ત્યારે ગરબા પ્રેમીઓમાં રાત્રે 12 વાગ્યાના સમય મર્યાદાને આગળ વધારવામાં આવે તેવી માગ ઉઠી છે.


આ મામલે દેશના કાયદા નિષ્ણાંતોનું સ્પશ્ટ કહેવું છે કે, રાજ્ય સરકાર ધાર્મિક અને આસ્થાના આ તહેવાર પર લોકલાગણી જોતા સમયમર્યાદા વધારી શકે છે. નિષ્ણાંતો અનુસાર રાજ્ય સરકાર ઈચ્છે તો રાત્રા જે 12 વાગ્યાની સમયમર્યાદા છે તે વધારી શકે છે. રાજ્ય સરકારને હક છે કે ખાસ તહેવારોએ તે કેટલાક નિયમો-શરતો સાથે ગરબા મહોત્સવનો સમય 12 વાગ્યાથી લંબાવીને રાત્રે 1 કે 2 વાગ્યા સુધી કરી શકે છે. આ માટે અવાજ ઓછો કરવા જેવી શરતો ઉમેરી શકાય. સરકારે તેના માટે ફક્ત એક સર્ક્યુલર જારી કરવાનો રહેશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સુપ્રીમ કોર્ટના કોઈ આદેશની અ‌વમાનના નહીં થાય.

નોંધનીય છે કે, યૂપીમાં સરકારે કાવડિયા માટે આ‌વો નિર્ણય કર્યો હતો કારણ કે, શિવરાત્રી પહેલા કાવડિયા ભારે અવાજમાં સંગીત વગાડીને રસ્તા પર યાત્રા કરતા, જેથી તેઓ કોઈ દુર્ઘટનાનો શિકાર ના થાય. સરકારે સર્ક્યુલર જારી કરીને તેની મંજૂરી આપી દીધી. એ જ રીતે, ગુજરાત સરકાર પણ ગરબા મહોત્સવનો સમય વધારી શકે છે.

કાયદા નિષ્ણાંતોનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન આપ્યું હોય તો રાજ્ય સરકાર એ માટે કટિબદ્ધ છે, પરંતુ માર્ગદર્શિકા હોય તો રાજ્ય સરકાર તેમાં સુધારો વધારો કરી શકે. નવરાત્રીમાં સમય વધારવા પ્રજાનો મોટો સમૂહ રાજ્ય સરકારમાં અપીલ કરે તો સરકાર સુપ્રીમ કોર્ટમાં સમય વધારવા અરજી કરી શકે અને જાહેરનામું બહાર પાડી સમય મર્યાદા પણ વધારી શકે.

નવરાત્રી જેવા તહેવારમાં 15 દિવસ માટે લાઉડ સ્પીકર વગાડવા 10 વાગ્યા ઉપરાંતના સમયની ખાસ સત્તા છે. દરેક રાજ્યો પોતાને ત્યાં ઉજવાતા મહત્ત્વના ધાર્મિક પ્રસંગે આવી ખાસ છૂટછાટ આપી શકે. નવરાત્રીમાં 12 વાગ્યાની સમયમર્યાદા વધારવી હોય તો રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડવું પડે.