ગાંધીનગર: ધોરણ 10ના વિદ્યાર્થીઓને લઈ રાજ્ય સરકારને મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં ધોરણ-૧૦ એસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો  નિર્ણય મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં લેવાયો છે.  


શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, રાજ્યની ૧૨૭૬ સરકારી, ૫૩૨૫ ગ્રાન્ટ ઇન એઇડ, ૪૩૩૧ સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય ૪૫ શાળાઓ મળી કુલ ૧૦,૯૭૭ શાળાઓમાં ધોરણ-૧૦ ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે. 


રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાઓ જે તા. ૧૦મી મે થી રપ મી મે સુધી યોજાવાની હતી તે પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતીમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગત તા.૧૫મી એપ્રિલે કરેલો છે.  જ્યારે ધો.12ની પરીક્ષા માટે 15 મીએ નિર્ણય કરવામાં આવશે.


આ પહેલા રાજ્ય સરકારે ધોરણ ૧ થી ૯ અને ધોરણ-૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાની સ્થિતીને અનુલક્ષીને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. 


રાજ્ય સરકારના આ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયના પરિણામે ધોરણ-૧૦ (એસ.એસ.સી.)ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળવાપાત્ર થશે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, કોર કમિટિમાં મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે ધોરણ-૧૦ (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે. 


રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ ? 


રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી હોઈ નવા કેસોની સંખ્યા પણ સ્થિર રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,742 નવા કેસ નોંધાયા છે અને 109 લોકોના કોરોનાથી મૃત્યુ થયું છે. સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 15269 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8840 પર પહોચ્યો છે. 


રાજ્યમાં અત્યાર સુધી 593,666 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,22,847 પર પહોંચ્યો છે. જેમાંથી 796 દર્દી વેન્ટિલેટર પર અને 1,22,051  લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 81.85 ટકા છે.