ગાંધીનગર: ગુરૂવારે ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જેમાં 20 નવેમ્બરથી ગુજરાતની 16 ચેક પોસ્ટ નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં હાલ અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર, થરાદ, સામખીયાળી, જામનગર, શામળાજી, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર, સાગબારા, કપરાડા, ભિલાડ, સોનગઢ અને વઘઈ ખાતે ચેકપોસ્ટ કાર્યરત છે.

રાજ્યની તમામ 16 ચેકપોસ્ટોને હટાવવાનો સરકારે નિર્ણય કર્યો હતો. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ચેકપોસ્ટો પર ઓવરલોડિંગ કે ઓવરડાઈમેન્શનની ચકાસણી થતી હતી. આ માટે સામાન્ય રીતે મોટી કંપનીઓના વાહનોએ દંડ ભરવાનો હોય છે.

હવેથી તેઓ જાતે જ ઓનલાઈન અરજી કરીને દંડ ભરી શકશે. તેમના માટે આરટીઓ ખાતે ઓફલાઈન વ્યવસ્થા પણ ચાલુ રહેશે. જો આ લોકો ગુનો કરતા પકડાશે તો બે ગણો દંડ વસૂલવામાં આવશે. સરકારના કહેવા પ્રમાણે, રાજ્યની 16 ચેકપોસ્ટ પરથી સરકારને વર્ષે 300 કરોડની આવક થતી હતી.