અમદાવાદ : ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે. 15 મે સુધી રાજ્યમાં કોઈપણ સમારોહમાં ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારત-પાક તણાવ વચ્ચે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરતા લખ્યું કે, આ મહિનાની 15મી તારીખ સુધી કોઈપણ સમારોહ કે કાર્યક્રમમાં ફટાકડા ફોડવાની કે ડ્રોન ઉડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કૃપા કરીને સહકાર આપો અને માર્ગદર્શિકાનું પાલન કરો.
ફટાકડા ફોડવાની મનાઈ
ગુજરાત સરકારના આદેશ મુજબ, કોઈપણ પ્રકારના સામૂહિક કાર્યક્રમો, ઉજવણીઓ કે સમારંભોમાં પણ ફટાકડા ફોડવાની મનાઈ કરવામાં આવી છે. આ સાથે જ લગ્ન સમારોહમાં કે અન્ય કોઈપણ કાર્યક્રમોમાં ડ્રોન ઉડાવવાની પણ મંજૂરી આપવામાં નહીં આવે. આ નિર્ણય રાજ્યની આંતરિક સલામતી અને શાંતિ જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે.
નારાયણ સરોવર પ્રવાસીઓ માટે બંધ
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને કચ્છ જિલ્લો હાઈ એલર્ટ પર છે. કચ્છના સરહદી વિસ્તારોના ધાર્મિક સ્થળો પણ બંધ કરવામાં આવ્યા છે. લખપતનું નારાયણ સરોવર ધાર્મિક સ્થળ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે નારાયણ સરોવર મંદિર બંધ કરવામાં આવ્યું છે. મંદિર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવતા જતા વાહનો પણ તપાસવામાં આવી રહ્યા છે.
કચ્છ સરહદ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રવાસીઓને કોટેશ્વર જવાની મનાઈ કરવામાં આવી છે. લખપત ત્રણ રસ્તા પર ચેકપોસ્ટ ઉભી કરાઈ છે. લખપત ત્રણ રસ્તાથી પ્રવાસીઓને આગળ જવા દેવામાં નથી આવતા. નારાયણ સરોવર અને કોટેશ્વર જતા પ્રવાસીઓ માટે પ્રતિબંધ મૂકાયો છે. પોલીસ દ્વારા સ્થાનિક લોકોનું પણ ચેકીંગ કરાઈ રહ્યું છે.
નડા બેટ વિસ્તારમાં પર્યટકો પર પ્રતિબંધ
પાકિસ્તાન સરહદે આવેલા નડા બેટની સુરક્ષા વધારવામાં આવી છે. નડા બેટ પર સતર્કતા વધારવામાં આવી છે. નડા બેટ વિસ્તારમાં પર્યટકો પર પ્રતિબંધ મૂકાયો છે. ભારત-પાક તણાવ વચ્ચે કચ્છમાં આવેલા પ્રવાસી સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અનેક જગ્યાએ પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.