ગુજરાત સરકારે લગ્ન સમારંભને લઈને શું કરી મોટી જાહેરાત ? જાણો કેટલા લોકો રહી શકશે હાજર?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Jan 2021 12:41 PM (IST)
પાર્ટી પ્લોટ, ખૂલ્લા મેદાનો, કોમન પ્લોટ કે અન્ય ખૂલ્લા સ્થળોએ મેળાવડા સમારોહ માટે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ-હેન્ડ સેનીટાઇઝર સહિતની SOPનું ચુસ્ત પાલન કરવું પડશે.
ફાઈલ ફોટો
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે હવે લગ્ન સમારોહને લઈને લોકોને મોટી રાહત આપી છે. ગુજરાત સરકારે જાહેર કરેલી નવી ગાઈડલાઈન અનુસાર લગ્ન પ્રસંગમાં હવે વધુમાં વધુ 200 લોકોને છૂટ આપવામાં આવી છે. આ પહેલા લગ્ન સમારોહમાં માત્ર 100 લોકો જ મંજૂરી આપવામાં આવી હતી. લગ્ન/સત્કાર સમારંભ જેવા પ્રસંગો સંબંધમાં ખુલ્લા સ્થળોએ/બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના 50 ટકાથી વધુ નહી પરંતુ મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે. આ હેતુસર www.digitalgujarat.gov.in પોર્ટલ પર Online Registration for Organizing Marriage Function નામના Software પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. હોલ , હોટેલ, બેંકવેટ હોલ, ઓડિટોરિયમ, કોમ્યૂનિટી હોલ, ટાઉન હોલ, જ્ઞાતિની વાડી જેવા બંધ સ્થળોએ સામાજીક, ધાર્મિક, મનોરંજન કે અન્ય સમારોહ કાર્યક્રમો માટે સ્થળની કેપેસિટીના 50 ટકાની મર્યાદામાં સંખ્યા રાખી શકાશે. પાર્ટી પ્લોટ,ખૂલ્લા મેદાનો, કોમન પ્લોટ કે અન્ય ખૂલ્લા સ્થળોએ મેળાવડા સમારોહ માટે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ-હેન્ડ સેનીટાઇઝર સહિતની SOPનું ચુસ્ત પાલન કરવું પડશે. આ સિવાય ચાર મહાનગરોમાં લાગુ કરવામાં આવેલા કરફ્યૂના સમયમાં લોકોને રાહત આપી છે. સાથે કર્ફ્યૂને લંબાવી દેવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ચાર મહાનગરોમાં તા. 15 મી ફેબ્રુઆરી સુધી રાત્રીના 11 થી સવારે 6 સુધી કરફ્યુનો અમલ રહેશે.