જામનગરઃ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધારવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે. ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) અને ગુજરાત સરકાર વચ્ચે એમ.ઓ.યુ. સંપન્ન થયા છે.  આયુર્વેદ વિકાસના નવા આયામો ખૂલવાની સાથે શિક્ષણ, અનુસંધાન અને ચિકિત્સા ક્ષેત્રે નવા દ્વારો ખૂલશે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.


 ITRA એ રાષ્ટ્રીય કક્ષાની દેશની એકમાત્ર આયુષ ઇન્સ્ટીટ્યુટ બનશે. જામનગર સ્થિત આયુર્વેદ પરિસરમાં કાર્યરત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ હવેથી ITRAના એક છત્ર હેઠળ આયુર્વેદ ક્ષેત્રે કાર્યરત થશે. તબીબી શિક્ષણ ક્ષેત્રે આયુર્વેદ નવીનતમ શિક્ષણ પધ્ધતિઓને આકાર આપી શકાશે. આયુર્વેદની તમામ શાખાઓમાં શિક્ષણ અને તાલીમ વ્યવસ્થા સુદ્રઢ બનાવાનો માર્ગ મોકળો થયો.  આયુર્વેદ ક્ષેત્રે નવી શિક્ષણ, ચિકિત્સા અને શોધ પધ્ધતિને તૈયાર કરવામાં સરળતા થશે. અને અભ્યાસ-અનુસંધાન પ્રક્રિયા સઘન બનશે.


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં વિશ્વ સમક્ષ અનેક પ્રકારના આરોગ્યલક્ષી પડકારો આવી રહ્યાં છે ત્યારે આજની એકવીસમી સદીમાં આયુર્વેદનો વ્યાપ ખૂબ પ્રમાણમાં વધી રહ્યો છે અને લોકો આયુર્વેદને રોજિંદા જીવનશૈલી તરીકે અપનાવી રહ્યાં છે તેને ધ્યાને લઈ રાજ્યમાં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધે એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. આયુર્વેદ શિક્ષણ ચિકિત્સા અને શોધ પધ્ધતિનો વ્યાપ વધારવા માટે જામનગર સ્થિત ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ અને ગુજરાત સરકાર વચ્ચે આજે એમ.ઓ.યુ. કરાયા હતા. 
 
નિતીન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ મહત્વની ઘટનાના સહભાગી થવા કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશભાઇ કોટેચાની હાજરીમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ તથા નિયામક (આયુષ), ગુજરાત  આયુર્વેદ યુનિવર્સિટીના ઇ.ચા. કુલપતી અને ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA)ના ડાયરેક્ટર વૈદ્ય અનુપ ઠાકર, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતમાં આ એમ.ઓ.યુ. થયા હતા.